Vadodara: વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોતને લઈને રાજ્યભરમાં ગુસ્સો જોના મળી રહ્યો છે. તો બીજી તરફ આજે કોટિયા મેનેજમેન્ટના સંચાલક બીનીત કોટિયાને કોર્ટમાં લવાયો હતો. જ્યાં આરોપી લોકોના રોષનો ભોગ બન્યો હતો. કોર્ટમાંથી પૉલીસ જાપ્તામાં બહાર નીકળતા જ બીનીત કોટિયાનું કાળી શાહીથી મોઢું કાળું કરાયું હતું. યુથ કોંગ્રેસના કુલદીપ વાઘેલા દ્વારા આરોપી બીનીત પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જો કે, બાદમાં પોલીસ દ્વારા કુલદીપ વાઘેલાની અટકાયત કરી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, યુથ કોંગ્રેસ પ્રમુખ છે કુલદીપસિંહ વાઘેલા.
તો બીજી તરફ હરણી લેક્ઝોન દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ સહિત 14ના મોત મામલે આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મેયર પિન્કીબેન સોની, ડે.મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને તમામ કોર્પોરેટરોએ શ્રદ્ધાંજલિ આપી હતી. 2 મિનિટના મૌન બાદ સભા મોકૂફ રખાઈ હતી.
આ ઉપરાંત વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે વિપક્ષે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જવાબદાર અધિકારીઓના નામ જાહેર કરવા માંગ કરી છે. સીટી એન્જિનિયરને જવાબદાર ગણતા તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, વડોદરાના હરણી તળાવ ખાતે વાઘોડિયા રોડની ન્યુ સનરાઈઝ સ્ફુલના વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે પહોંચ્યા હતા. જોકે બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે વિપક્ષ નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી જવાબદાર અધિકારીઓના નામ જાહેર કરવા માંગ કરી હતી.
કોર્પોરેશનના ચીફ એન્જીનીઅર અલ્પેશ મજમુદાર અને પાર્કસ એન્ડ ગાર્ડનના મંગેશ જૈશવાલ વિભાગની બેદરકારી ગણાવી હતી. તો બીજી તરફ 16 ડિસેમ્બર 2022ના રોજ ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ શહેરભરના તળાવો મામલે અધિકારીઓની જવાબદારીઓ સ્પષ્ટ કરી હતી જેમાં સામાન્ય વહીવટ વિભાગના હુકમમાં શહેરના વિવિધ 27 તળાવોના નવીનીકરણની કામગીરી ફ્યુચરીસ્ટિક પલાનિંગ સેલ દ્વારા કરાઈ હતી.
તમામ તળાવોની સુરક્ષા વ્યવસ્થા અને આનુષાગિક વહીવટી કામગીરી ડાયરેક્ટર ( ઇ.આર એન્ડ એસ )એ કરવાની જવાબદારી હતી. તળાવો ખાતે બનાવવામાં આવેલા ગાર્ડનની જાળવણી / નિભાવણીની કામગીરી ડાયરેક્ટર ( પાર્ક્સ એન્ડ ગાર્ડન ) પાસે હતી. ફ્યુચરીસ્ટિક પ્લાનિંગ દ્વારા જે તળાવોનું નવીનીકરણ કામગીરી પૂર્ણ કરાઈ. તે સિવાયના શહેરમાં આવેલા અન્ય તળાવોની જાળવણી / નિભાવણી / સુરક્ષા વ્યવસ્થા અન્ય વહીવટી પ્રકારની તમામ કાર્યવાહી સીટી એન્જીનીઅર ( અલ્પેશ મજમુદાર )ની રહેશે.
જોકે તમામ જવાબદારીઓ ફળવાઈ ગયા બાદ પણ આજે અધિકારીઓ એક બીજાને ખો આપી જવાબદારીઓથી દુર ભાગી રહ્યા છે અને જેની જવાબદારી છે તેવા ફ્યુચરિસ્ટીક સેલના રાજેશ ચૌહાણે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે અધિકારી જવાબદાર છે તેઓ જ ફરિયાદી બની ગયા છે ત્યારે આવનાર સમયમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ વિપક્ષે માંગ કરી છે. 19 આરોપીઓ સામે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે જેમાંથી 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત 11 આરોપીઓ ધરપકડ થી દુર છે.