વડોદરાઃ જે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કરજણ વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસે કોંગ્રેસના બે કાર્યકરોની 57 હજાર રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી છે. કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ થતાં કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજા કરજણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


પોલીસ સ્ટેશન પહોંચેલા કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ બંને યુવકો બુથ એજન્ટ છે. તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પોતાને પણ પરેશાન કરાતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. નોંધનીય છે કે, ગઈ કાલે કરજણ પોલીસે બે યુવકોની 57 હજાર રૂપિયાની રોકડ અને ગાડી સાથે અટક કરી હતી. પકડાયેલા બંને યુવકો કોંગ્રેસના રૂપિયા લઈ જતા હોવાની શંકા સાથે તેમની અટક કરવામાં આવી હતી. તેમજ આજે તેમની ધરપકડ બતાવવામાં આવી છે.



આ અંગે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના કાર્યકરોને હેરાન ન કરવા પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલની ધરપકડ કરી છે.