વડોદરા: કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર સાંસરોદ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજા થઈ છે. ગંભીર ઇજા પામેલા વ્યક્તિને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉભેલા ટેમ્પાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટેમ્પામાં ભરેલા ફૂલો હાઇવે પર વેરાઈ ગયા હતા. ફૂલો ભરેલા પિકઅપ ટેમ્પોનો મહારાષ્ટ્રથી વડોદરા તરફ જતા સાંસરોદ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. 


સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા


સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો મુજબ મામુલી રકમને લઈને આ હત્યા કરવામાં આવી છે. માત્ર 300 રૂપિયા માટે લાકડાંના ફટકા મારી હત્યા કરવામાં આવી છે. ઉછીના રૂપિયા પરત નહીં આપતા મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં અમરોલી પોલીસે હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી


સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમગ્ર મામલે સુરત પોલીસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ મામલે માહિતી આપી હતી. 


TRB સાજન ભરવાડની હકાલપટ્ટી
એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી.  તેમણે કહ્યું કે સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચની ટીમના અરવિંદ ગામીત, હરેશ અને TRB સાજન ભરવાડ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે TRB જવાન સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. આ મામલાની તાપસ ACP કક્ષાના પોલીસ અધિકારી કરી રહ્યા છે.