વડોદરા: શહેરના યાકુતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ એક મહિલા પર આડેધડ ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરિંગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે આ ઘટનામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બન્ને આરોપીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે કે મિલકત વિવાદમાં ભાભી પર દિયરે ફાયરિંગ કર્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે બન્ને આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી એક પિસ્તોલ પણ કબજે કરાઈ છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, યાકુતપુરામાં ધોળે દહાડે મહિલા પર ફાયરિંગ કરનાર દિયર અને તેના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યા છે. ભાભી મિલકત વિવાદમાં આળખીલી બનતા દિયર મોઇને ફાયરિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે. યાકુતપુરા ખાતે રહેતા નઇમ શેખને પોતાના નાના ભાઈ મોઇન શેખ સાથે મિલકત વિવાદ ચાલતો હતો. જેમાં બંને ભાઈઓ વચ્ચે ભાભી અમીના શેખ આળખીલી બનતી હોવાની ગાંઠ દિયર મોઇનના મગજમાં બંધાઈ ગઈ હતી. જેને લઈને મોઇને તેના સાગરીતને એક્ટિવા પર બેસાડી મંગળવારના રોજ મોટા ભાઈના ઘરે જઈ ભાભી અમીના શેખને આમંત્રણ આપવાના બહાને બહાર બોલાવ્યા હતા અને પોઇન્ટ બ્લૅક રેન્જથી ગોળી મારી બંને આરોપી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તો સામે આવી જ ગયા હતા, પરંતુ પહેલેથી પરિવારજનો અને પોલીસને શંકા હતી કે બુરખો બાંધીને મોઇન જ હતો એટલે પોલીસે મોઇનની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી મોઇન અને સાગરીત અમજદ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં છે જેથી પોલીસે બંનેને ઝડપી પાડ્યો હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ પણ કબજે કરી છે. મોઇનના સાગરીતની વાત કરીએ તો આરોપી મોઇને તેના મિત્ર અમજદને ફક્ત 5000 રૂપિયા આપવાની લાલચ આપી હતી અને મોટા ભાઈને ત્યાં ફક્ત પૈસાની ઉઘરાણી કરવા જવાનું છે તેમ કહી સાથે લઈ ગયો હતો અને ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે મહિલા અમીના શેખની હાલત સુધારા પર છે અને આરોપી મોઇન અગાઉ પણ મિલકત સંબંધી ગુનાઓમાં જેલના સળિયા ગણી ચુક્યો છે. આરોપી મોઇન જામીન પર છૂટી ફરી કોઈ હુમલો ન કરે તેવી ચિંતા હજુ પણ યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના યાકુતપુરામાં બે દિવસ અગાઉ મહિલા પર આડેધડ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ફાયરિંગ બાદ બે અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં મહિલાને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મહિલાનું નામ અમીનાબેન છે જે પોતાના પરિવાર સાથે યાકુતપુરા વિસ્તારમાં રહે છે.

જોકે આ બનાવની જાણ થતાની સાથે જ વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ દોડી આવી હતી. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી હતી. ફાયરિંગને પગલે આખા વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે આસપાસ સીસીટીવી પણ લાગેલા હતા. પોલીસ સીસીટીવી કબજે કરી તપાસ હાથ ધરી હતી.