વડોદરા: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારના ડીએનએ મેચ થયા બાદ ડેડબોડી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ભયાવહ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે. જેમાં વડોદરાના ચાર લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા છે. જેમાં માંજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા બે મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપતા આજે અંતિમ સંસ્કાર કરાયા હતા. 

DNA દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બપોરે 1.30 વાગ્યાની આસાપાસ અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં બીજે મેડિકલની મેસ પર ધડાકાભેર અથડાયું હતું. જેમાં સવાર 242 પેસેન્જરમાંથી 241 લોકોના મોત થયા હતા, માત્ર એક વ્યક્તિનો જીવ  બચ્યો હતો. આ દુર્ઘટનામાં વડોદરા શહેરના 23 પેસેન્જરના મોત થયા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ દ્વારા પુષ્ટિ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.

અનેક લોકો અંતિમ યાત્રામાં જોડાયા

વડોદરા બીજા મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે આવ્યો હતો. અંજુ શર્મા પોતાની પુત્રી પાસે લંડન જવા પ્લેનમાં બેઠા હતા, પ્લેન ક્રેશમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. આજે સવારે તેમના મૃતદેહને ગ્રીન કોરિડોર રચીને નિવસ્થાને લાવવામાં આવ્યો હતો.  સમતા વિસ્તારની અરુણાચલ સોસાયટીના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી. મૃતકના પરિજનો, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત અનેક લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. 

DNA મેચ થશે તેમ-તેમ મૃતદેહો સોંપવામાં આવશે.લોકોની સુવિધા માટે  સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ આવવા અપીલ કરવામાં આવી છે. 31 વ્યકિતના DNA મેચ થયા છે, અત્યાર સુધીમાં 12 મૃતદેહને સોંપાયા છે.

એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.