વડોદરા: હાલમાં દિલ્હીના શિક્ષણ મંત્રી અને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદીયા ગુજરાતમાં છે. તેઓ ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે આજે વડોદરા ખાતે શિક્ષણ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, એક્ઝિબિશનમાં ગુજરાત મોડલની સાચી વાત અહીંયા બતાવવામાં આવી રહી છે. 27 વર્ષમાં ભાજપ સરકારે કેવી સ્કૂલો બનાવી તે અને દિલ્હીની સરકારે બનાવેલી સ્કૂલ બતાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષમાં દિલ્હી સરકાર સારી સ્કૂલ આપી શકે છે તો ગુજરાતમાં 27 વર્ષથી સત્તામાં રહેલી સરકાર કેમ ન આપી શકે?
ગુજરાતના ગામડાઓની સ્કૂલોમાં કરોળિયાના જાળા જોવા મળે છે. જો તમારા બાળકોને પ્રેમ કરો છો તો એવી પાર્ટીની સરકાર લાવો જે યોગ્ય ન્યાય આપે. આમ મનિષ સિસોદીયા વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની ટકોર કરી દીધી હતી. દેશના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા તજજ્ઞોને ગુજરાતમાં બોલાવવામાં આવ્યા હતા. દેશના સ્કૂલના સંચાલકોને બોલાવ્યા પણ ગુજરાતની એક પણ સ્કૂલ બતાવી નથી. અમે દિલ્હીના નકશામાં સ્કૂલ નથી બતાવતા પણ જમીન પર સ્કૂલ બતાવીએ છીએ.
એબીપી અસ્મિતાએ સવાલ કર્યો કે, દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું છે કે, સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ હવે બીજેપી સરકાર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની કોઈ કેસમાં ધરપકડ કરશે, સવાલ એ છે કે શું સરકાર આ કેસમાં AAPની ધરપકડ કરી શકે છે.
જેના જવાબમાં સિસોદીયાએ કહ્યું કે, પહેલા પણ સીબીઆઈ મોકલી હતી. જેટલી તપાસ કરવા માંગો કરી શકો છો. કશું જ મળવાનું નથી. આ પહેલા પણ સીબીઆઈને તપાસમાં કશું જ મળ્યું નથી. હું તમામ તપાસ માટે તૈયાર છું, તમે તપાસ કરી શકો છો. અમે શાળાઓને મામલે કોઈ જ ગેરરીતિ નથી કરી. ગુજરાતમાં જે શાળાઓ ખખડધજ છે એ કેમ તેની તપાસ થવી જોઈએ.