વડોદરામાં નોંધાયેલ રાજ્યનો પ્રથમ લવ જેહાદ કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે. પીડિતાએ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોડીને ચોંકાવનારૂ સોગંદનામું કર્યું છે. જેમાં પીડિતાએ આરોપી સમીર વિધર્મી છે તેવુ પહેલેથી જ જાણતી હોવાની વાત કરી. સાથે જ મરજીથી નિકાહ કર્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહી પીડિતાએ પોતાની મરજીથી ગર્ભપાત કરાવ્યો હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો. અને પોલીસ પાસે માત્ર ઘર કંકાસની ફરિયાદ નોંધાવવા ગઈ હોવાની વાત પીડિતાએ પોતાના સોગંદનામામાં કરી છે.


શું છે મામલો


વડોદરામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નવા સુધારેલા કાયદા પ્રમાણે ગુનો દાખલ થયો છે. ડીસીપી ઝોન 2 જયરાજ સિંહ વાળાએ માહિતી આપી હતી. દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ થઈ. પીડિતા સોશીયલ મીડીયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી.


યુવકે ધર્મ છુપાવ્યો, ખ્રિસ્તી ધર્મનો હોવાનું યુવતીને કહ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના મોબાઈલમાં વિડિયો અને ફોટા ઉતાર્યા હતા. યુવકે અવાર નવાર બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચર્યું. બે વખત યુવતી ગર્ભવતી થઈ જતાં યુવતીનું ગર્ભપાત કરાવ્યું હતું.


યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યા હતા. યુવતીને હિન્દુ ધર્મ ના પાળવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. સમીર અબ્દુલ કુરેશી નામના યુવાને કારસ્તાન આચર્યું હતું. તેની ધરપકડ કરવામાં આવી છે. માર્ટીન સેમ નામ ધારણ કરી યુવતીને મળ્યો હતો. આરોપી યુવક તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે.


અન્ય એક લવ જેહાદનો કિસ્સો


ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે છાણી રોડ, સંતોકનગરમાં રહેતા  મોહિબ પઠાણ તેના ભાઈ મોહસીન પઠાણ અને પિતા ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. તેમજ ધરપકડ બાદ કોર્ટ માં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


આરોપીએ યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. યુવતીની ફરિયાદ છે કે, અશ્લીલ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહિરા' કર્યું હતું. લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું. શારીરિક માનસિક ત્રાસ આપી દબાણ કરતાં ફરિયાદ નોંધાવી છે.