વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા પાંચ જિલ્લામાં આવે છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા નવા કેસો કરતાં વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

છેલ્લા એક અઠવાડિયામાં 539 કેસ નોંધાયા છે. જેની સામે 799 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરામાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 571 છે, જેની સામે અત્યાર સુધીમાં 3039 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

વડોદરામાં છેલ્લા છ દિવસથી નવા આવી રહેલા કેસો સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગઈ કાલે 20મી જુલાઇએ જિલ્લામાં કુલ 78 કેસ નોંધાયા હતા. જેની સામે 84 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગત 19મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 79 કેસ નોંધાયા હતા. જેની સામે 160 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 16મીએ સામે આવેલા કેસો કરતાં વધુ 81 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગત 18મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 78 કેસ નોંધાયા હતા. જેની સામે 102 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 18મીએ નોંધાયેલા કેસ કરતાં વધુ 24 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.