વડોદરા: સામાન્ય રીતે મંદિરોમાં ભક્તિ થવી જોઈએ પરંતુ ભક્તિના બદલે અન્ય વિષયો પર આસક્તિ વધી જાય ત્યારે ભક્તિને સ્થાને વિવાદ સ્થાન લઈ લેતું હોય છે. આવો જ વિવાદ છાણી સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં થયો અને આખરે એક ભક્તે જીવ ગુમાવ્યો.




છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના વર્ષ 1935માં થઈ હતી. જે તે સમયે તેજા ભગત નામના અનુયાયીએ પોતાની જામીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી અને ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જ સમાજના બે પક્ષકારોની લડાઈમાં આજે નાયબ કલેકટરનો હુકમ મેળવ્યા બાદ મંદિરના તાળા બદલવા સમયે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં 60 વર્ષીય અનુયાયી અને મંદિરમાં આરતી ઉતારનાર દિનેશ મકવાણાનું ધક્કો વાગીને પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજતા મૃતકના પરિવાર અને મંદિરની કમિટીના સભ્યોએ રોષ પ્રકટ કર્યો હતો.


સમગ્ર વિવાદ જોવા જોઈએ તો છાણી સ્થિત સર્વે નંબર 153ની શીટ નંબર 8ની આ મંદિરની જમીન તેજા ભગતના નામે હતી. જેતે સમયે અહીં મંદિર બનાવવા માટે તેઓએ જમીન વડતાલ સ્વામિનારાયણ મંદિરને દાનમાં આપી હતી. જે લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના તાબામાં હોવાની અરજી નાયબ કલેકટરને કરી હતી જેમાં 2018 માં નાયબ કલેકટરે આ મંદિરનો વહીવટ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટની કમિટીને સોંપવાનો હુકમ કર્યો હતો.ત્યારથી જ સામે પક્ષે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે વિવાદ શરૂ થયો હતો.




જેમાં ગત વર્ષે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે શ્રીરંગ સ્વામી અને અન્ય સ્વામીઓને મોકલ્યા હતા જ્યાં સ્વામિનારાયણ ટ્રસ્ટના દિનેશ પરમાર,દિનેશ મિસ્ત્રી સહિતના સભ્યોએ સંતોની તાળાબંધી કરી દેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં આજ રોજ અગિયારસ હોવાથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના અનુયાયીઓ આરતી કરવા જતાં અન્ય જૂથ ત્યાં પહોંચ્યું હતું અને બીજી આરતી કરવાની વાત કરતા મામલો બીચકયો હતો અને ધક્કો વાગતા પટકાઈ જતા દિનેશભાઈનું મોત થયું હતું. જેઓ રોજ આરતી કરતા હતા.જેને લઈને છાણી પોલીસ મથકનો સ્ટાફ મંદિરે પહોંચ્યો હતો અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. મામલો ગંભીર થતા એસીપી ધર્મેન્દ્ર ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.