Vadodara Boat Tragedy: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે પીએમ મોદી,રાષ્ટ્રપતિથી લઈને ગુજરાતના વિવિધ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.


પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી 







વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. 


સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી


સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દુખ વ્યક્ત કર્યું





 

હર્ષ સંઘવીએ લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય અને ભોગ બનેલા તમામના પરિવારોને હિંમત મળે તેવી પ્રભુ પ્રાર્થના.

 

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો





 

 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ લખ્યું કે,  ગુજરાતના વડોદરામાં બોટ અકસ્માતમાં બાળકો અને શિક્ષકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.

 

શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કર્યો અને સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા






કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું કે,  ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. ગુજરાતના વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12ના મોત થયા હતા. જેમાં બે શિક્ષકો અને ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે સાત વિદ્યાર્થીઓ હજુ પણ ગુમ હોવાનું નોંધાયું છે. જે સમયે અકસ્માત થયો હતો. તે સમયે બોટમાં 20 વિદ્યાર્થીઓ સાથે ચાર શિક્ષકો હાજર હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાને કારણે આ અકસ્માત થયો હતો. લાઈવ જેકેટ કોઈને આપવામાં આવ્યું ન હતું. ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લે છે અને કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે, ગુજરાતમાં એક પછી એક ઘટના બને છે, નિર્દોષ લોકો મૃત્યુ પામે છે.