PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદી અને સ્પેનના વડા પ્રધાને આજે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. C-295 મિલિટરી પ્લેન ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL)ની આ ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવશે. આ પ્લાન્ટ લશ્કરી વિમાનો માટે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) છે, જે દેશના સંરક્ષણ સ્વ-નિર્ભરતાની શોધમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજનો દિવસ માત્ર ભારત માટે જ નહીં પરંતુ ટાટા ગ્રુપ માટે પણ ઐતિહાસિક દિવસ છે. તમને જણાવી દઈએ કે C-295 મિલિટરી પ્લેનના નિર્માણ માટે 2021માં ભારત અને સ્પેન વચ્ચે એક મોટો કરાર થયો હતો.



ભારત અને સ્પેન વચ્ચે 21,935 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી 


2021 માં, ભારતના સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાના જૂના થેલા  Avro-748 એરક્રાફ્ટને બદલવા માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની સપ્લાય માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે રૂ. 21,935 કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કોન્ટ્રાક્ટ હેઠળ, સ્પેનથી 16 એરક્રાફ્ટ સંપૂર્ણ રીતે એસેમ્બલ કરવામાં આવશે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટ વડોદરાના TASL પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે. વડોદરામાં તૈયાર થનાર પ્રથમ C-295 એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. TASL ખાતે ઉત્પાદિત તમામ એરક્રાફ્ટ ઓગસ્ટ 2031 સુધીમાં ડિલિવર થવાના છે.


PM નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાને યાદ કર્યા 


આ ઐતિહાસિક અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જો આજે આ મોટા અવસર પર રતન ટાટા હાજર હોત તો તેઓ ખૂબ જ ખુશ હોત. તેમણે કહ્યું કે ટાટા-એરબસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી ભારત-સ્પેનના સંબંધો મજબૂત થશે. PMએ કહ્યું કે વડોદરામાં ઉત્પાદિત પ્લેન ભવિષ્યમાં નિકાસ પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ અમારા 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ' મિશનને પણ મજબૂત કરશે.  


ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતા તેમણે કહ્યું કે થોડા સમય પહેલા દેશે પોતાના મહાન પુત્ર રતન ટાટાને ગુમાવ્યા છે. જો આજે રતન ટાટા આપણી વચ્ચે હોત તો તેઓ ખૂબ જ ખુશ હોત. આજે ભારત આ યોજના પર ઝડપે કામ કરી રહ્યું છે. યોજનાના આયોજન અને અમલમાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. અહીંથી બનેલા એરક્રાફ્ટ અન્ય દેશોને પણ આપવામાં આવશે.


આ ખાસ અવસર પર વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે એરબસ અને ટાટા વચ્ચેની આ ભાગીદારી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગની પ્રગતિમાં ફાળો આપશે અને અન્ય યુરોપિયન કંપનીઓના આગમન માટે નવા દરવાજા ખોલશે. આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે.


સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું, “આજે અમે માત્ર એક અદ્યતન ઔદ્યોગિક સુવિધાનું જ ઉદ્ધાટન નથી કરી રહ્યા. આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે બે પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચે એક અસાધારણ પરિયોજના વાસ્તવિક બની જાય છે. પીએમ મોદીની પ્રશંસા કરતા પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, તમારુ વિઝન ભારતને ઔદ્યોગિક શક્તિ અને રોકાણ અને વેપાર માટે આકર્ષણ બનાવે છે.