વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા કરનારા તેના લિવ-ઈન પાર્ટનર એવા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ હત્યા મુદ્દે ચોંકાવનારી કબૂલાત કરી છે. સ્વિટીનો ભાઈ જયદીપ બહેનને શોધવા ઘરે આવ્યો ત્યારે સ્વિટીની લાશ ઘરની સામેની કારમાં જ પડી હતી. અજય દેસાઈએ સ્વિટીના ભાઈને એવું કહ્યું હતું કે, ઘરમાં બાળકો છે તેથી તેમની સંભાળ રાખ અને હું સ્વિટીને શોધવા જાઉં છું.


આ રીતે જયદીપને ફોસલાવીને અજય દેસાઈ તેની બહેનની લાશને લઈને તેની નજર સામે જ નિકળી ગયો હતો. દેસાઈ કાર લઈને પહેલાંથી નક્કી કર્યા પ્રમાણે કરજણ પહોંચ્યો હતો. કરજણ પાસે હોટલ ચલાવતા કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની દહેજ પાસે અટાલી ગામના પાટિયા પાસે આવેલી બંધ હોટલના પાછળના ભાગે જઈ અજય દેસાઈએ એકલાએ જ સ્વિટીનો મૃતદેહ સળગાવી દીધો હતો. PI દેસાઈએ સ્વિટીના બર્થ-ડે પર ખરીદેલી કાર જ સ્વિટીની લાશના નિકાલમાં વાપરી હતી. પાછળથી આ કારના કારણે જ ભાંડો ફૂટ્યો પણ સ્વિટીના ભાઈ જયદીપને પોતાની નજર સામે જ બહેનની લાશ હોવા છતાં ખબર નહોતી પડી.


આ પહેલાં પણ દેસાઈએ સ્વિટીના પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા. તેણે સ્વિટીના પરિવારને જણાવ્યું હતું કે, 5 જુનની સવારે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા દરમિયાન પોતાની સાથે ઝઘડો તકરાર થવાથી અને સાસરીવાળા બોલાવતા ન હોવાથી ટેન્શનમાં રહેતી હોવાથી સ્વિટી પટેલ ઘરેથી જતી રહી હતી.  સ્વિટીના ભાઈ જયદિપભાઈ મહેન્દ્રભાઈ પટેલે બનેવી પર વિશ્વાસ રાખીને આ જ વિગતો પોલીસને જણાવી હતી. જયજીપ પટેલે જાહેર કરેલી વિગતોના  આધારે કરજણ પોલીસ તપાસ કરી રહી હતી પણ લાંબા સમય સુધી નક્કર પરિણામ ના મળતાં છેવટે  સ્વિટીબહેનની હત્યા થઈ હોવાની આશંકાથી ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ડીજીપીએ આ કેસની તપાસ એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.


સ્વિટીની હત્યા પછી અજય લાશને લઈને આવ્યો ત્યારે જાડેજા દૂર ઉભો રહ્યો હતો. પીઆઇ દેસાઈએ લાશ સળગાવવા ખાંડ અને ઘી પણ મંગાવ્યું હતું. જાડેજાનો દાવો છે કે, દેસાઈની પત્નિ સ્વિટી ગુમ થયાના સમાચાર અખબારોમાં વાંચ્યા પછી તેને પી.આઈ. ખોટું બોલ્યો હોવાની જાણ થઈ હતી.