વડોદરા: પાદરામાં ચૂંટણી કામગીરીની પ્રાંત ઓફિસરની બી.એલ.ઓની યોજાયેલી મીટીંગમાં બી.એલ.ઓને ગેટ આઉટ કરી અપમાન કરતા શિક્ષકો વિફર્યા હતા અને ત્રણ કલાક સુધી હોબાળો મચાવ્યો હતો. શિક્ષકોએ માફી માગવાની માંગ કરી હતી. છેલ્લે પ્રાંત ઓફિસર આવ્યા અને તેઓને મિટિંગ દરમ્યાન ગેરસમજ થઈ હોવાની વાત સામે આવી છે. હવે તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. તો બીજી તરફ જે બી.એલ.ઓ શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું તેઓ એ જણાવ્યું કે પ્રાંત ઓફિસરે તેઓને પિતાતુલ્ય ગણાવી માફી માંગી હોવાનું જણાવતા વિવાદનો ઉકેલ આવ્યો હતો.
ગેટ આઉટ કહી અપમાન કરતા શિક્ષકો વિફર્યા
પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે ચૂંટણી કામગીરી અંગેની પાદરા બી.એલ.ઓ કામગીરીમાં જોતરાયેલા 215 જેટલા શિક્ષકોની મિટિંગ પ્રાંત ઓફિસર મયંક પટેલની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં પાદરાના મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આધાર કાર્ડમાં ફોટાના લિંક અંગે બી.એલ.ઓ વિજય ગોહિલે પ્રશ્ન કરતા પ્રાંત ઓફિસર મંયક પટેલે ગેરવર્તુણક કરી જાહેરમાં અપમાન કરી ગેટ આઉટ કહી અપમાન કરતા શિક્ષકો વિફર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રાંત ઓફિસર સામે નારાજગી દર્શાવી
જો કે પ્રાંત ઓફિસર ચાલુ મિટિંગ છોડી જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પાદરા તાલુકા શિક્ષક સંઘના બન્ને શિક્ષક સંઘના આગેવાનો ટાઉન હોલ ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત ઓફિસર સામે નારાજગી દર્શાવી માફી માગે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત માફી નહિ માંગે તો બી.એલ.ઓની કામગીરીમાંથી તમામ રાજીનામાં આપશે તેવી ચિમકી આપી હતી.
સુખદ સમાધાન થયું હોવાનું પ્રાંત ઓફિસરે જણાવ્યું
બીજી તરફ કલાકો સુધી હોબાળો થતા આખરે પ્રાંત ઓફિસર મંયક પટેલ પરત પાદરાના પ્રમુખ સ્વામી હોલ આવ્યા હતા અને શિક્ષકોને મળ્યા હતા. જો કે, બી.એલ.ઓને જાહેરમાં કરવામાં આવેલા અપમાન અંગે તેઓ જણાવ્યું હતું કે ગેરસમજ હતી તેનું સુખદ સમાધાન થયું હોવાનું પ્રાંત ઓફિસરે જણાવ્યું હતું. જો કે, જે બી.એલ.ઓ શિક્ષક વિજય ગોહિલનું અપમાન કર્યું હતું તેઓની માફી માંગી હોવાનું જણાવી શિક્ષકને પિતા તુલ્ય ગણાવ્યા હોવાનું બી.એલ.ઓ વિજય ગોહિલએ જણાવ્યું હતું જેથી થયેલા વિવાદનો અંત આવ્યો હતો.