Gujarat Weather: ભાવનગરના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ચેકડેમ તૂટી ગયો છે. બગદાણા પાસે આવેલ મોણપર ગામે સરકાર દ્વારા બનાવેલ ચેકડેમ વરસાદી પાણી ભરાતા જ તૂટી જતા ડેમની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બપોર બાદ મહુવા પંથકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગદાણા બગડ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ સાથે જ ચેકડેમ તૂટી જતાં ગ્રામજનો ભયભીત થયા છે. મહુવા તાલુકાના ટીટોડીયા ગામનો ચેક ડેમ પણ તૂટી ગયો છે. સિંચાઇ વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ચેક ડેમ વરસાદની સિઝનમાં તૂટી જતા અનેક સવાલો ઉભા થયા છે.


મહુવા પંથકમાં સારા વરસાદના કારણે બગડ ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોટી જગધાર, નાની જગધાર, લિલવણ, ખરાડી, પાદરગઢ, દાઠા અને વાલર ગામને એલર્ટ કરાયા છે.


હવામાન વિભાગની આગાહી
ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તારિખ ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું.
 
સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.  ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.  


રાહત કમિશનર દ્વારા GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.