ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2011માં ભીખીબેનનો અકસ્માત થયો હતો. જેમાં તેમનો એક હાથ અને પગ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારથી જ માતા પુત્રના સહારે જીવી રહીં હતી. દિવ્યેશ થોડા સમય અગાઉ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. જો કે નશો કરવાની લતે ચડેલા દિવ્યેશની નોકરી છુટી જતા તે છુટ્ટક કામ કરવા લાગ્યો હતો.
સોમવારે મોડી રાત્રે દિવ્યેશએ કાચાના ટુકડા વડે તેની દિવ્યાંગ માતા ઉપર કાચના ટુકડો વડે છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. માતાની હત્યા કર્યા બાદ ઘરના બખોલામાંથી લાશને પાછળના ભાગે કચરાના ઢગલામાં ફેંકી હતી. ઘરની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં એકઠા થયેલા કચરામાં માતાની લાશને સળગાવી દીધી અને ત્યારબાદ ત્યાં જ ઉભા રહી "ૐ નમઃ શિવાય"ના જાપ કરી પરત ઘરે જતો રહ્યાં હતો.
દરમિયાન વહેલી સવારે મેદાનમાં અર્ધ બળેલી લાશ જોઇ આસપાસમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચતા તપાસનો દોર શરૂ થયો હતો. તેવામાં લાશની ઓળખ છતી થતા પોલીસ માતાના હત્યારા દિવ્યેશની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી હતી.