વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારા બાદ એક હજારથી વધુ પોલીસ જવાનોએ કોમ્બિંગ કર્યું હતું. આ મામલે અત્યાર સુધી 5 મહિલા સહિત 24ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ફેતપુરા, પાંજરીગર મહોલ્લા, યાકુતપુર અને હાથીખાના વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવાનો સરકારનો સંકલ્પ છે. સંઘવીએ કહ્યું આ કરતૂત કરનારોઓને મુંહતોડ જવાબ મળશે.
શોભાયાત્રા સાથે પોલિસ કમિશ્નર શમસેરસિંહ આગળ વધી રહ્યા હતા ત્યાં યાકુતપુરા વિસ્તાર પહોંચતા તેમની પર પથ્થર પડતા ટિયરગેસના સેલ છોડાયા હતા.પથ્થરમારામાં 15 વાહનોને નુકસાન પહોંચ્યું હતું અને નવ લોકો ઘાયલ થયા હતા.ઘટનાને પગલે ફતેપુરા વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.


વડોદરામાં ફતેપુરામાં પાંજરીગર મહોલ્લા અને કુંભારવાડા પાસે હિંસા થઇ હતી. લારી અને વાહનોમાં તોડફોડ કરાઇ હતી. પોલીસે  સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાંથી પસાર થતી ભગવાન રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો.


રામજીની સવારી પર પથ્થરમારો


 આજે ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થર મારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે થયો પથ્થરમારો


મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સગઠનના કહેવા મુજબ, કેટલાક તત્વોએ પહેલાથી જ સુનિયોજિત કાવતરું રચ્યું હતું.


 રામનવમીના દિવસે નીકળેલી સવારી ઉપર ફતેપુરા વિસ્તારમાં કાંકરી ચાળો થતા સ્થિતિ તંગ બની હતી. પથ્થરમારામાં 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસઓજી, પીસીબી, ડીસીબી તથા એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, ઘટના સ્થળે 108 ની બે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. રામ નવમીના તહેવારમાં કાંકરી શાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરશે.