વડોદરા: શહેરનો વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે. વડોદરા જિલ્લાના શિનોરના (માલસર - અશા) નર્મદા બ્રિજ વિવાદમાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર લોકાર્પણ થાય પહેલાં બ્રિજમાં તિરાડો પડી જતા અનેક સવાલો ઉઠ્યા છે. બ્રિજનો એક ભાગ 4 ઇંચ જેટલો ખસી જતાં બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.
માલસર ગ્રામજનોએ સરકાર તેમજ બ્રિજનુ નિર્માણ કરનાર એસ.પી.સિંગલા કંપની સામે રોષ ઠાલવ્યો છે. બે દિવસ અગાઉ જ નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. બ્રિજની દિવાલના કારણે માલસર ગામને નર્મદા નદીના પાણીની અસર થઈ હોવાના ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે. ગ્રામજનોએ જે તે સમયે દિવાલની જગ્યાએ બીમ ઉભા કરવા માટે જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી.
જો કે, તંત્રએ ગ્રામજનોની રજૂઆતને ધ્યાન પર ન લેતાં નર્મદા નદીના પાણી માલસર ગામમાં ઘૂસ્યા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. માલસરથી શિનોર જવાનો સર્વિસ રોડ નર્મદા નદીના ધસમસતા વહેણમાં ધોવાઈ ગયો છે. હાલમાં શિનોરથી માલસર તરફ જવાનો સર્વિસ રોડ એક તરફનો જ ચાલુ છે. નર્મદાના વહેતા પાણીએ બ્રિજની બીજી તરફનો સર્વિસ રોડ 2 ફૂટ જેટલો ઊંડો ખોદી કાઢ્યો છે. તેમજ (માલસર -અસા) બ્રીજ ઉપર માલસર તરફ ડામર રોડ વચ્ચેના ભાગે 15 મીટર કરતા વધું લાંબી ઉભી તિરાડ પડી છે.
માલસર ગામના લોકોમાં ફફડાટ
માલસર જવાના મેન સર્વિસ રોડ તરફ બ્રીજની દીવાલ થોડી નમીને અંદાજિત 4 ઇંચ જેટલી નીચેના ભાગે બેસી ગઈ છે. બ્રિજ ઉપર ડામર રોડ પર ઉભી મોટી તિરાડ પડી જતા આ બ્રિજને મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યાનું દેખાઈ રહ્યું છે. જો સત્વરે સરકાર આ બ્રીજ પર ધ્યાન આપે નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.