વડોદરાઃ ડભોઈ પોલીસ સ્ટેશનમાં તહેનાત પોલીસ હેડ કોન્સ્ટેબલે કરિયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે શખ્સોને ઝડપ્યા હતાં. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.


ઝાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ડભોઈ તાલુકામાં 24 કલાકની અંદર બે કેસ નોંધાયા છે. ઝાલા 14 એપ્રિલે આયુબની સાથે કુલદીપની ધરપકડ કર્યાં બાદ તેના સંપર્કમાં આવ્યા હતા. તાઈ અને શર્માની ધરપકડ કરતાં પહેલા તેમને ટેસ્ટ અને મેડિકલ ચેકઅપ માટે SSG હોસ્પિટલ ખસેડાયા હતા.

બુધવારે તાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઝાલાને ચેપ લાગ્યો હોવાનો ખુલાસો ગુરુવારે થયો હતો. પોલીસે કહ્યું હતું કે, તાઈ અને ઝાલાને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તાઈ અને શર્માને ઝડપવામાં ડભોઈ પોલીસ સ્ટેશનના અન્ય ચાર પોલીસકર્મીઓ પણ સામેલ હતા જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ તેમને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે.

તાઈની બહેન અને ભાઈને પણ ક્વોરન્ટિન કરાયા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાઈના સંપર્કમાં આવેલા 12 લોકોના સેમ્પલ લીધા હતા. પરંતુ ઝાલા સિવાય તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

બંને આરોપીઓને SSG હોસ્પિટલ લાવનાર આસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની સાથે અન્ય બે પોલીસ કોન્સ્ટેબલને હોમ ક્વોરન્ટિન કરવામાં આવ્યાં છે તેમ ડેપ્યૂટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ કે.વી. સોલંકીએ જણાવ્યું હતું. તાઈનો રિપોર્ટ આવ્યા બાદ બુધવારે ડભોઈ પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.