વડોદરા: કરજણ તાલુકાના લીલોડ ગામના બે માછીમારો નર્મદા નદીમાં નાવડી (ડોલચી) લઈને માછલી પકડવા ગયા હતા. માછલી પકડવા ગયેલા બંને માછીમારો પરત પોતાને ઘરે ન પહોંચતા પરિવારજનોએ નર્મદા નદીમાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહીં. ત્યાર બાદ પરિવારજનોએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમજ કરજણ ધારાસભ્યને પણ જાણ કરી હતી.
કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્રારા કરજણ SDM પ્રાંતને જાણ કરાતા કરજણ SDM એ વડોદરા ફાયર વિભાગને જાણ કરી હતી અને ત્યાર બાદ વડોદરા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. વડોદરા ફાયર વિભાગની બે બોટ તેમજ સ્થાનિક માછીમારોની બે બોટ આમ ચાર બોટ થકી ગઈકાલે આખા દિવસ દરમિયાન 8 થી 10 કલાક નર્મદા નદીમાં ગુમ થયેલા બંને માછીમારોને ચાલુ વરસાદે શોધખોળ આરંભી હતી પરંતુ રાત સુધી કોઈ ભાળ માળી નહોતી. જેથી વડોદરા ફાયર વિભાગને પરત જવું પડ્યું હતું.
જો કે આજે સવારે માછીમારોને મૃતદેહ મળી આવ્યા છે. એકનો મૃતદેહ કરજણના લીલોડ ગામેથી 10 કિલોમીટરના અંતરે જ્યારે બીજા માછીમારનો મૃતદેહ 20 કિલોમીટરના અંતરેથી માળી આવ્યો છે. ગઈકાલે સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો તેમાં આ બંને આછીમારોના મૃતદેહની હાલત જોતા સ્થળ પર PM કરાવી ત્યાં જ અંતિમ વિધિ કરાય તેવી શકયતા છે.
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં 15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે. આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે. મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે.