વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત
થયા હતા. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ધાવત બ્રિજ ઉતરતા ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતા ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે જ મોત થયા હતા.




કરજણ નેશનલ હાઇવે નંબર 48 પરના કરજણ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં ક્રેનની મદદથી ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બંન્નેના મૃતદેહોને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.


આજે ખેડામાં પણ એક અકસ્માત સર્જાયો હતો. ખેડાના હલદરવાસમાં દારૂ ભરેલ કારે અન્ય એક કાર અને બાઇકને અડફેટે લીધા હતા.  મહેમદાવાદ પોલીસ દારૂ ભરેલી કારનો પીછો કરી રહી હતી ત્યારે દારૂ લઇને જઇ રહેલા કાર ચાલકે બચવા માટે પૂરઝડપે કાર દોડાવી હતી. તેણે એક કાર અને બાઇકને ટક્કર મારી હતી. બાદમાં કાર ચાલક કાર મુકીને ફરાર થયો હતો. કારમાંથી બીયર અને દારૂની પેટીઓ જપ્ત કરાઇ હતી. મહેમદાવાદ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.


રાજકોટ જિલ્લાના પોરબંદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યો વાહનચાલક પરપ્રાંતિય શ્રમિકને ટક્કર મારીને ફરાર થયો હતો. MLA ડૉ.મહેન્દ્ર પાડલીયા, જિલ્લા ભાજપ મહામંત્રીએ કાર રોકી 108ને જાણ કરી હતી. ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ઉપલેટા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


થરાદના દૂધવા નજીક સ્કોર્પિયો ચાલકે એમ્બ્યુલન્સને અડફેટે લીધી હતી. ગુજરાતથી ડેડબોડી રાજસ્થાન લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. રાજસ્થાનના વ્યક્તિને કરંટ લાગતા ગુજરાતમાં રીફર કરાયો હતો. ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ રાજસ્થાન વતનમાં લઈ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોએ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્કોર્પિયો ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા છે.