વડોદરામાં ભુવા પડવાની ઘટના બની છે. શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે ભવન્સ નજીક અચાનક ભુવો પડતા ફૂટપાથ પરથી પસાર થઇ રહેલો એક વ્યક્તિ તેમાં પડ્યો હતો. તરત જ તેણે બચાવો બચાવોની બૂમો પાડતા સ્થાનિક લોકોએ તેને ભુવામાં સલામત રીતે બહાર કાઢ્યો હતો.




ફૂટપાથ પર પડેલો આ ભુવો બાજુના રોડ સુધી વિસ્તર્યો હતો જેના કારણે પાર્ક કરેલી એક કાર પણ ભુવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા કોર્પોરેશનનું તંત્ર દોડતું હતું અને તાત્કાલિક ભુવાને પૂરવાની કામગીરી હાથ ધરી હતી.


ઘટનાની જાણ થતાં યશપાલે જણાવ્યું હતું કે હું નંદેસરીમાં નોકરી કરુ છું અને સાંજે નોકરી પરથી પરત ફરતા સમયે ચાલતા ચાલતા જઇ રહ્યો હતો ત્યારે અચાનક ભુવો પડતા હું તેમાં ખાબક્યો હતો. જોકે મે બૂમો પાડતા મને લોકોએ બચાવ્યો હતો.  



બીજી તરફ અમદાવાદમાં પણ રોડ બેસી ગયાની ઘટના બની હતી. શહેરના શ્યામલથી માણેકબાગ જવાના માર્ગ ઉપર વધુ એક રોડ બેસી ગયો હતો. જેના કારણે 8 ફૂટ ઊંડો ભુવો પડવાની સ્થિતિ સર્જાઇ હતી. ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ બેસી ગયો હતો. આગામી 20 દિવસમાં ભુવાના સમારકામ માટે કામગીરી કરાશે. બેરીકેટ કરવા મુકાયેલી પ્લેટ પણ ભુવામાં ગરકાવ થઇ હતી.


થોડા દિવસ અગાઉ અમરેલીના કુકાવાવમા ગટરના મસમોટા ભુવામાં કાર ઘૂસી ગયાનો વીડિયો વાયરલ થયો હતો જેને લઇને તંત્ર દોડતું થયું હતું. કુકાવાવ બગસરા રોડ પર આવેલ નીલકંઠ શોપિંગ સેન્ટર પાસે ભૂગર્ભ ગટરમાં મસમોટો ભુવો પડ્યો હતો આ ભુવો કુકાવાવથી બગસરા જતા સ્ટેટ હાઇવે પર આવેલ નીલકંઠ શોપિંગ સેન્ટરની પાસે છેલ્લા 4 ચારેક મહિનાથી પડયો છે. આ ભુવામાં 10 દિવસ પહેલા એક કાર ઘૂસી ગઈ હતી. તંત્રને સ્થાનિકો દ્વારા આ ભુવાને પુરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ 4 મહિના વિતવા છતાં કોઈ જ કામગીરી કરાઈ નહોતી. 


આ પણ વાંચોઃ 


Vadodara: બુલેટ ટ્રેન પ્રોજેકટ સ્થળે સર્જાયો અકસ્માત, ક્રેઈન નીચે દબાતા એકનું મોત, 7 જેટલા કામદાર ગંભીર રીતે ઘાયલ