વડોદરાઃ વડોદરાના દેણા ગામના ખેતરમાંથી ધો. 10માં ભણતા વિદ્યાર્થીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી. શહેરની વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો અંકિત પ્રજાપતિ ગઈકાલ સાંજથી લાપતા હતો. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યાના નિશાન હોવાથી હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. વિદ્યાર્થીની લાશ મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે બુધવારે સાંજે 7:30 વાગ્યે અંકિતના મિત્રો કાર લઇને લગ્ન પ્રસંગે લઇ જવા માટે તેના ઘરે લેવા માટે આવ્યા હતા. અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઇને ગયો હતો. જોકે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે દેણા ગામ પાસે સ્થાનિકોએ લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.



ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઇલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે જાણ કરતાં વિદ્યાર્થીનાં પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.