વડોદરાઃ ઘરમાં નોકર રાખતા પહેલા વિચારજો. પૂરતી ચકાસણી અને પોલીસને માહિતગાર કર્યા બાદ જ નોકરને રાખજો. વડોદરાના કારેલીબાગના બંગલામાં લૂંટ ચલાવવાના બનાવમાં ૧૯ વર્ષીય કામવાળી ડિમ્પલ સોનીએ લૂંટની યોજનાને અંજામ આપવા પ્લાન  બનાવ્યો હતો.,ડિમ્પલ સોનીએ બંગલાની ચાવીની વ્યવસ્થા કરી હતી.તેણે અન્ય ત્રણ લૂંટારાઓનો સાથ લીધો હતો.જે પૈકી રિતેષ ઉર્ફે હિતેષ ગોદડિયા અને આકાશ રાવલ ટેરેસ પરથી નીચે ઉતરી બારણું ખોલતાં ડિમ્પલ અંદર આવી હતી.જ્યારે અર્જુન બહાર વોચમાં રહ્યો હતો. બંગલામાં કોઇ ઓળખી ના જાય તે માટે ડિમ્પલે જેન્ટસના કપડાં પહેર્યા હતા.લૂંટ ચલાવ્યા બાદ બૂમરાણ મચતાં તેઓ ભાગી છૂટયા હતા.બપોરે ડિમ્પલ ડ્રેસ પહેરીને જાણે કાંઇ જાણતી ન હોય  તે રીતે કામે આવી ગઇ હતી.


કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ


બંગલામાં ઘૂસી ગયેલા લૂંટારાઓએ બંગલામાં રહેતી મહિલાને બંધક બનાવી તેમજ હુમલો કરી પહેરેલા દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૃ.૨.૬૩ લાખની લૂંટ કરી હતી.જો કે પરિવારજનોએ  બૂમરાણ મચાવતાં ભાગી છૂટેલા લૂંટારા પૈકી એક લૂંટારો ઝડપાઇ ગયો હતો.


સોનાલી સોસાયટીના બંગલામાં રહેતા સ્વ.ડો.પ્રવિણ ગોરના પત્ની રંજનબેન આજે પરોઢિયે સાડા પાંચેક વાગે જાગ્યા ત્યારે કિચનની લાઇટ ચાલુ જોતાં તેમણે તેમનો પુત્ર જયદિપ કિચનમાં હશે તેમ માની જયદિપને બૂમ પાડી હતી.એક લૂંટારાએ હોંકારો પણ દીધો હતો.પરંતુ ત્યારબાદ રંજનબેન દરવાજા પાસે જતાં જ લૂંટારાએ બારણાને ધક્કો મારી રંજનબેનને પાડી દીધા હતા.ત્યારબાદ તેણે મોંઢે ચાદર નાંખી દીધી હતી.


 રંજનબેન કાંઇ સમજે તે  પહેલાં લૂંટારાએ તિજોરીની ચાવી માંગી હતી.તેમણે ચાવી ખબર નથી તેમ કહેતાં લૂંટારાએ રિવોલ્વર જેવું બતાવી હાથે ચાકુનો ઘા ઝીક્યો હતો.આ વખતે બીજો લૂંટારૃ અન્ય રૃમમાં ગયો હતો અને કબાટ ફેંદી ચાંદીના  બે ગ્લાસ,સોનાની ચેન અને અન્ય ચીજો લૂંટી હતી.જ્યારે રંજનબેનને બાનમાં લેનાર લૂંટારાએ તેમણે પહેરેલી ચાર વીંટીઓ(દોઢ તોલા) તેમજ સોનાની ઘડિયાળ(બે તોલા),પાટલો અને બુટ્ટી કાઢી લીધા હતા.


કેવી રીતે ઝડપાયા


રંજનબેનનો પુત્ર જયદિપ ગોર જાગી જતાં તેણે બૂમરાણ મચાવી હતી.જેથી લૂંટારા ભાગ્યા હતા.સામે બંસલ મોલના સિક્યુરિટી ગાર્ડે આ દ્શ્ય જોતાં તેણે આકાશ સંજય રાવલ(કિશનવાડી, વુડાના મકાનમાં)ને ઝડપી પાડયો હતો.જ્યારે કારેલીબાગના પીઆઇ આર એ જાડેજાએ તેની પૂછપરછ કરી લૂંટનો પ્લાન બનાવનાર ૧૯ વર્ષીય કામવાળી ડિમ્પલ વસંત સોની ( હાલ વુડાના મકાનમાં,મૂળ રહે.નુર્મ યોજના,હરણી વારસિયા રિંગરોડ) તેમજ અર્જુન કિરણ ખારવા ( ફતેપુરા વીમાના દવાખાના પાસે)ને ઝડપી પાડયા હતા.