વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તારના 49 વર્ષીય કોરોનાના દર્દીએ હોસ્પિટલમાં 34 દિવસની લડત બાદ જીત મેળવી છે. એક તબક્કે તો તબીબે દર્દીના બચવાનો માત્ર 30 ટકા જ ચાન્સ હોવાનું જણાવી દીધું હતું. જોકે, દર્દી 34 દિવસની લડાઇને અંતે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. 


શહેરના વાઘોડિયા રોડ પર આવેલી માનવ મંદિર સોસાયટીમાં રહેતા હિતેષ પટેલ (ઉં.વ. 49) ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોનાગ્રસ્ત થયા હતા. પહેલા ત્રણ દિવસ તેઓ હોમ આઇસોલેશનમાં રહ્યા હતા. દરમિયાન આરટીપીસીઆરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી હિતેષભાઈનું ચેસ્ટ સીટી સ્ટેન કરાયું હતું. જેમાં માત્ર 2 ટકા ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. 


જોકે, હોમ આઇસોલેશનમાં ચોથા દિવસે તેમનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું હતું અને તે ઘટીને 83 ટકા થઈ ગયું હતું. જેથી પરિવારના સભ્યોએ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. અહીં બ્લડ રિપોર્ટ અને એક્સ-રે સહિતના ટેસ્ટમાં ફેફસામાં 85 ટકા ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું. 


હિતેષભાઈની તબિય ગંભીર જણાતા ડોક્ટરે તેમને આઇસીયુમાં ખસેડ્યા હતા. અહીં વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજન સાથે હિતેશભાઈને બે વખત પ્લાઝમાં પણ ચઢાવાયું હતું. તેમજ 12 રેમડિસિવિર ઇન્જેક્શન મુકાયા હતા. આ સમયે તબીબે હિતેષભાઈના 30 ટકા જ બચવાના ચાન્સ હોવાનું જણાવ્યું હતું. 20 દિવસ સુધી આઇસીયુમા રહ્યા પછી તેમની તબિયતમાં સુધારો થયો હતો. તેમને આઇસીયુમાંથી બહાર લવાયા હતા. તેમજ 12 દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાયા પછી 34 દિવસ પછી તેમને રજા આપવામાં આવી હતી. 


નોંધનીય છે કે, હિતેષભાઈના પત્ની, માતા અને ભાઇ સહિત પરિવારના કુલ 6 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી હિતેષભાઈ સાથે તેમના પત્ની પણ તે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે માતા અને ભાઈ છાણીની હોસ્પિટલમાં દાખલ થયા હતા. 


મારું ગામ કોરોના મુક્ત ગામઃ વધુ એક શોભાના ગાંઠિયા જેવું કોવિડ સેન્ટર આવ્યું સામે, જાણો વિગત 


વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં કોરોનાએ ગ્રામીણ વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની સાતે મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા મારું ગામ, કોરોના મુક્ત ગામ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, કોરોના સેન્ટર શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. 


વડોદરાના સોખડા ગામે કોવિડ સેન્ટર ઉભું કરાયું છે.  સોખડા ગામના જુના બાલ મંદિર ખાતે 10 બેડ ઉભા કરાયા છે. જોકે, એક પણ દર્દી આઇસોલેશન માટે નથી. ગામની 12500ની વસ્તીમાં 30 કોવિડ પોઝિટિવ છે. અત્યાર સુધી એક જ દર્દી કોવિડ સેન્ટર આવી તેની હાલત ગંભીર બનતા અન્ય જગ્યાએ ખસેડાયા છે. કોવિડ સેન્ટરમાં નર્સ, ડોક્ટર, ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. શોભના ગાંઠિયા જેવા કોવિડ સેન્ટર ગામે ગામ ઉભા કરાયા છે. 


આ અભિયાન અતંર્ગત વડોદરાના તલસટ ગામમાં કહેવા પૂરતું કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 10 બેડનું કોવિડ કેર સેન્ટર પ્રથમિક શાળામાં શરૂ કરાયું છે. જોકે, કોવિડ સેન્ટરમાં ડોક્ટર, નર્સ,  ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. ગામના સરપંચે ખર્ચો કરી 10 બેડની વ્યવસ્થા કરી, પણ સરકાર તરફથી કોઈ જ વ્યવસ્થા નથી. ગામની 1200ની વસ્તીમાં 25 પોઝિટિવ કેસ છે. કોઈ જ ગ્રામજન કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થવા તૈયાર નથી.  રાજ્ય સરકારના મારુ ગામ  કોરોના મુક્ત ગામનો ફિયાસ્કો થયો છે.