વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ થઈ ગયા છે. કોરોનાના વધી રહેલા કેસોના  કારણે લોકોમાં ભારે ફફડાટ છે ત્યારે વડોદરા શહેરમાં રોકેટ ગતિએ કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ રહ્યું છે તેથી લોકો ફફડી ગયાં છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી દરરોજના 1200 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.


દરમિયાનમાં વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચાર સંતો કોરોના સંક્રમિત થયા હોવાથી ખળભળાટ મચ્યો છે. બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) સ્વામિનારાયણ મંદિરના ચારેય સંતો ને મંદિર પરિસરમાં સંત નિવાસમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.


બીજી તરફ કોરોનાના કેસ વધતાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર રવિવારની રજા રદ્દ કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પૂરી થતાં હવે મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિન લેવા ઉમટી પડ્યા છે. ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો એ કોરોના નિયમોનો ભંગ કર્યો હતો તેથી કેસોમાં જોરદાર ઉછાળાની શક્યતા છે.


દરમિયાનમાં વડોદરામાં કોરોનાથી મોતનો સત્તાવાર આંકડો 623 થી વધીને 624 થયો છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે અને ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.


રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 59,564  કેસ છે, આ પૈકી  વડોદરામાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,462 પર પહોંચી છે. રાજ્યમાં 60 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. શનિવારે કોરોનાના કારણે સાત લોકોના મોત થયાં હતાં તેમાં વડોદરાની કોઈ વ્યક્તિ નહોતી. અમદાવાદ કોર્પોરેશનમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, સુરતમાં એક, નવસારીમાં એક, રાજકોટમાં એકના મોત થયા છે.


કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે.