વડોદરાઃ શહેરના વોર્ડ નંબર 18માં ભાજપમાં ભડકો થયો છે. સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાની વાતો વહેતી થતા નારાજ ભાજપના કોર્પોરેટરો કલ્પેશ પટેલ, ગાર્ગી દવે અને શકુન્તલાબેન શિંદે સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ વડોદરા શહેર પ્રમુખ ડો વિજય શાહને પાર્ટી કાર્યાલયમાં ઉગ્ર રજુઆત સાથે ઘેરાવો કર્યો છે.

ચિરાગ ઝવેરીને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ નહીં આપવા મક્કમ રજુઆત કરવામાં આવી છે. જોકે વોર્ડના કોર્પોરેટર અને કાર્યકરોની નારાજગી પારખી ગયેલા શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, કાર્યકરોની લાગણી પ્રદેશ પ્રમુખને પહોંચાડવામાં આવશે.ચિરાગ ઝવેરીની સંભવિત ભાજપ એન્ટ્રીને લઈ વોર્ડ 18ના ભાજપના નેતાઓ અને અગ્રણીઓમાં નારાજગી છે.

નારાજ ભાજપ અગ્રણીઓનું કહેવું છે કે, ચિરાગ ઝવેરી હાર પારખી ગયા છે, તેથી ભાજપમાં જોડાવા વલખા મારી રહ્યા છે. ભાજપ કાર્યકરો વિસ્તારની ચારેય બેઠકો જીતવા માટે સક્ષમ છે.