વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ધારાસભ્યના દિકરા દિપકનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરી નિલમ શ્રીવાસ્તવને ટિકિટના મુદ્દે પણ ભાજપ હાઈકમાન્ડને ધમકી આપી છે. શ્રીવાસ્તવે કહ્યું છે કે, મારી દીકરી નીલમ નિગમને ભાજપ જિલ્લા પંચાયતમાં ટિકિટ નહીં આપે તો તે પણ અપક્ષ તરીકે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. મધુ શ્રીવાસ્તવે આડકતરી રીતે ભાજપ નેતાગીરીને ધમકી આપી છે ને પોતાની દીકરીને ટિકિટ આપવા કહ્યું છે.


મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરીના મુદ્દે પણ ભાજપ સામે બગાવતી તેવર બતાવ્યા છે. આ પહેલાં વાઘોડિયા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એલાન કર્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને મારા આશીર્વાદ છે.

આ પહેલાં તેમના પુત્ર દીપકે પણ હુંકાર કર્યો હતો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરીને ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો હતો. પરંતુ આજે ધારાસભ્યના દિકરાનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થયું છે. દિપક શ્રીવાસ્તવને ભાજપે વડોદરા મહાપાલિકાના વૉર્ડ નં 15માંથી ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી રદ્દ થતા હવે દિપક શ્રીવાસ્તવે સંકેત આપ્યા છે કે આડકતરી રીતે તે ભાજપ વિરોધી પ્રચારમાં જોડાશે.

ભાજપના નેતાએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવતા ન માત્ર દિપક શ્રીવાસ્તવ પણ તેના સમર્થકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં કાચ પણ ફોડી નાંખ્યા હતા. હવે તેનું ફોર્મ રદ્દ થઈ ગયું છે.