વડોદરાઃ વડોદરાના ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી ફરી વિવાદમાં આવ્યાં છે. વોર્ડ નંબર ત્રણના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી સામે નાસ્તાની લારી ચલાવતા યુવકે હપ્તા માગવાનો આક્ષેપ કર્યો છે. યુવકે વીડિયો વાયરલ કરીને કહ્યું કે, લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા પણ રૂપિયા આપ્યા નહીં. હું રૂપિયા માંગવા ઘરે ગયો તો માત્ર 100 રૂપિયા આપ્યા.
યુવકનો દાવો છે કે તેણે બાકીના રૂપિયા માંગતા છાયા ખરાદીએ લારી ઉઠાવડાવી લેવાની ધમકી આપી અને લારી ઊભી રાખવી હોય તો 1000 રૂપિયો હપ્તો માંગ્યો હતો. 1000 રૂપિયા નહિ આપે તો ધંધો બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે.
આ વીડિયોમાં અમિત નગર પાસે પાણી પુરીની ખાણીપીણીની લારી ચલાવતા લલિત પરમારે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, લગભગ બે મહિના પહેલાં ભાજપનાં મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવ્યાં હતાં અને નાસ્તો લઈ ગયાં હતાં. નાસ્તાનાં બાકી નાણાં મુદ્દે બબાલ થયા પછી તેમણે ફરી લારી પર આવીને અહીંયાં કોને પૂછીને લારી મૂકી છે તેમ કહી ધમકાવ્યા હતા.
છાયા ખરાદી પોતાનું કાર્ડ આપી ઘરે મળી જવા જણાવ્યું હતું. કાર્ડ લઇ ઘરે ગયેલા લારીધારક લલિતભાઈને પહેલાં તો ફોન બહાર મૂકાવી દીધો હતો. પછી કહ્યું હતું કે, લારી લગાવવી હોય તો 1 હજાર રૂપિયા આપવા પડશે. લલિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ 70 નંગ સમોસા લઈ ગયા હતા અને તેનાં નાણાં આપ્યાં ન હતાં.
આ અંગે છાયાબેન ખરાદીએ જણાવ્યું હતું કે સ્થાનિક સોસાયટીના લોકોએ લારી હટાવવા રજૂઆત કરી હતી એટલે હું તેમને મળવા ગઈ હતી. મેં કોઈ નાણાંની માંગણી કરી નથી. અગાઉ મેં સમોસા લીધા હતા તેનાં પણ નાણાં ચૂકવ્યાં હતાં.
આ પહેલાં કારેલીબાગના અજીતા નગરમાં રહેતાં વૃધ્ધાને અંધારામાં રાખી વિલ બનાવવાના વિવાદમાં મહિલા કોર્પોરેટર છાયા ખરાદી સપડાયાં છે.