Vadodara Bridge Collapse: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો હતો. હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. ગુરુવારે વધુ ચાર મૃતદેહ મહીસાગર નદીમાંથી મળ્યા હતા. એક મૃતદેહ બ્રિજના પિલર, બીજો મૃતદેહ ટ્રક નીચેથી મળી આવ્યો હતો. સાંજે બામણ ગામના યોગેશ પટેલનો મૃતદેહ પણ મળ્યો હતો. હજુ પણ 2 લોકો લાપતા હોવાની આશંકા છે. 2 દિવસથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
વાસ્તવમાં બુધવારે (9 જુલાઈ) સવારે, પાદરા શહેર નજીક ગંભીરા ગામમાં 40 વર્ષ જૂના પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પુલ પર ઘણા વાહનો હતા, જે નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડે છે.
નદીના પાણીમાં વધારો થવાને કારણે કામગીરી બંધ
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ માહિતી આપી હતી કે ગુરુવારે રાત્રે વધુ એક મૃતદેહ મળવાથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 18 થઈ ગયો છે. બે લોકો હજુ પણ ગુમ છે. નદીમાં પાણી વધવાને કારણે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય એજન્સીઓની ઓછામાં ઓછી 10 ટીમો દ્વારા દિવસભર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જવાબદાર 4 મોટા અધિકારીઓને ઘરભેગા કર્યા
આ નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે રૂબરૂ જઈને બધી તપાસ કરી હતી. એમના પ્રાથમિક અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જે અધિકારીઓ જવાબદાર લાગ્યા છે એમના પર કડક પગલાં લેવાયા છે. મુખ્યમંત્રીએ એન. એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી.પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), ને જે.વી.શાહ (મદદનીશ ઇજનેર) ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે.
ખાલી આ પુલ નહીં બીજા પુલોની પણ થશે સઘન તપાસ!
આ ઘટના પછી રાજ્યના બીજા પુલોની સલામતીનું પણ ધ્યાન રાખીને મુખ્યમંત્રી એ જાહેરહિતમાં એક બીજી મોટી સૂચના પણ આપી છે. એમણે કીધું છે કે, રાજ્યના બીજા બધા પુલોની પણ તાબડતોબ ધોરણે ફરીથી ઝીણવટભરી (સઘન) તપાસ કરી લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મામલે કોઈ ઢીલાશ નહીં ચલાવે ને જવાબદારોને છોડશે નહીં.