વડોદરા : ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. ૮ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૮૬ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૫,૧૨૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કુલ ૮,૧૪,૭૪૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે. રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે.


 વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ બે દર્દીઓને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાની શંકાએ બન્ને સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામા આવ્યા છે.   વૈજ્ઞાાનિકો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે અને વડોદરામાંથી જાણે કોરોનાની વિદાય થઇ ગઇ હોય તેમ લોકો બેફિકર થઇને ફરી રહ્યા છે. દરમિયાન વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસના પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.


ક્યારે ગયા હતા કેરળ


એસએસજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક આધેડ અને એક યુવાન એમ બે દર્દીઓને પાંચ દિવસ પહેલા દાખલ કરવામા આવ્યા હતા. વડોદરામાં રહેતા આ બન્ને દર્દીઓ ૧૫ દિવસ પહેલા કેરળ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ બન્નેને કોરોનાના લક્ષણો જણાતા પહેલા હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી પરંતુ કોરોના કન્ટ્રોલ નહી થતાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્ને દર્દીઓની કેરાલા ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી ડોક્ટરોને ડેલ્ટા વેરિએન્ટની શંકા છે જેના કારણે બન્ને દર્દીઓના સેમ્પલ ડેલ્ટા ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ૧૦ દિવસ બાદ તેનો રિપોર્ટ આવવાની શક્યતા છે.


વડોદરામાં ગઈકાલે કેટલા નોંધાયા કેસ


વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા જ્યારે ૩ દર્દીઓને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના ૨૭ દર્દીઓ દાખલ છે જે પૈકી ૧૪ હોસ્પિટલમાં અને ૧૩ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. ૨૭ પૈકી ૧૧ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તો શહેરમાં શનિવારે મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નોંધાયો નહતો. આજે મ્યુકોરમાઇકોસિસના ૪ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો હાલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે.