વડોદરાઃ વડોદરા(Vadodara) શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. રોગચાળો  દિવસે ને દિવસે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે કોરોનાની લપેટમાં વડોદરા કોંગ્રેસના અગ્રણી  (Congress) પણ આવી ગયા છે. વડોદરા જિલ્લા કોંગ્રેસના નેતા કાંતિલાલ મહેતા (Kantilal Mehta)નું કોરોનાના કારણે મોત થતાં રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


આ ઉપરાંત ઓ.એન.જી.સી.ના અધિકારી સહિત ૪૨ લોકોના મોત થયા છે. જોકે, સત્તાવાર મોતનો આંકડો માત્ર 3 જ દર્શાવાયો છે. 24 કલાકમાં શહેરમાં કોરોનાની સારવાર લેતા ઓ.એન.જી.સી.ના ૪૮ વર્ષના અધિકારી, જિલ્લા કોંગ્રેસના અગ્રણી કાંતિભાઇ મહેતા સહિત ૪૨ લોકોના મોત થયા છે.


કોરોનાના છેલ્લા 24 કલાકના ટેસ્ટિંગમાં ૪૩૭ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે, ચોવીસ કલાકમાં તાવના ૫૬ અને શરદી ખાંસીના ૧૪૨ દર્દીઓ મળી આવ્યા છે. જે ગઇકાલની સરખામણીમાં વધારે છે.

24 કલાકમાં કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીઓની સંખ્યા ૪૩૭  પર પહોંચ છે.  ગઇ કાલે ૪૨૨ હતી. તેવી જ રીતે એક્ટિવ દર્દીની સંખ્યા ૩,૯૫૮ છે.  ગઇકાલે ૩,૭૫૪ હતી. શહેરમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા વધીને ૧૮૫ અને ૧૨૩ થઇ ગઇ છે. કોરોનાના ઓછા લક્ષણો  ધરાવતા અને હોમ ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓની સંખ્યા પણ ગઇકાલની સરખામણીમાં વધીને ૭,૭૮૪ થઇ  ગઇ છે. 


ગઈ કાલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી હતી. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણી આજે કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે, હવે લગ્નમાં 100ની બદલે 50 લોકોની હાજરીમાં જ લગ્ન કરવા પડશે. આ ઉપરાંત તેમણે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે, તેમ જણાવ્યું હતું. 


મુખ્યમંત્રીએ કહ્યું, હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી. 14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે. હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે.દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.