વડોદરાઃ શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોના પોઝિટિવ કેસોના આંકડા વધી રહ્યા છે, ત્યારે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શહેરના વિવિધ 10 જાહેર સ્થળે રેપીડ એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરી રહ્યું છે.


વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં થઈ રહેલા કોવિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરામાં છેલ્લા 15 દિવસથી કોરોના પોઝિટિવ કેસના રોજે રોજના આંકડા  5, 6, 7 આવી રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે.


આજે શહેરમાં સતત બીજા દિવસે જાહેર સ્થળો પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં વિવિધ સ્થળે 13030 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો, ST બસ સ્ટેન્ડ, ગાર્ડન, મોલ, મલ્ટીપ્લેક્ષ અને મોટા બજારો, શાકભાજી માર્કેટમાં 6804 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


 વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપો ખાતે રેપિડ એન્ટીજન અને RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે કોવિડ પોઝિટિવ આવનાર વ્યક્તિને સ્થળ પર જ એન્ટી રેપીડ ટેસ્ટના અડધો કલાકમાં જ રિજલ્ટ આપવામાં આવી રહ્યા છે, જે પોઝિટિવ આવે છે તેને સ્થળ પરથી જ દવાઓ આપવામાં આવે છે અને ગંભીર અસર જણાય તો હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 22  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,630 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  1,59,398 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશનમાં 6, વલસાડમાં 4, સુર કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, જૂનાગઢમાં 1, નવસારીમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો.જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 230  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 224 નાગરિકો સ્ટેબલ છે. 8,16,630 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 928 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3730 નાગરિકોને રસીનો પ્રથમ અને 39,408 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11,728 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,03,603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,59,398 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,43,40,215 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, અરવલ્લી, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પંચમહાલ પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, મોરબી, રાજકોટ , રાજકોટ કોર્પોરેશન, વડોદરા, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગરમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.