વડોદરાઃ મોડલ અને એક્ટ્રેસ પ્રાચી મોર્યની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. એમ્પ્લોસ ડ્રામા ગ્રુપમાં કામ કરતી 25 વર્ષીય પ્રાચી મોર્યની હત્યા કરાયેલી લાશ વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના મેદાનમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમજ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગઈ કાલે પ્રાચી મૌર્ય ખંભાતથી શો પૂરો કરી વડોદરા આવી હતી. પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી હતી. જોકે, તે રાત્રે 2.15 વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે. પ્રાચની હત્યા ગળું દબાવીને કરી હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રાચી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી. આ વિગતને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી વસીમ હત્યા કરીને ગઈ કાલે ભરુચ ભાગી ગયો હતો. આજે વડોદરા ક્રાઇમબ્રાન્ચે વસીમની વડોદરા રેલવે સ્ટેશન પરથી ધરપકડી કરી છે.
પોલીસે પ્રાચીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાચી વડોદરામાં પરિવાર સાથે રહેતી હતી. તે મૂળ ભરૂચની છે. તેનો મૃતદેહ મળ્યો છે ત્યાંથી જ થોડા અંતરે તેનું ઘર પણ આવેલું છે. ઘટનાસ્થળેથી બે બાઇક અને પ્રાચીનો અમૂક સામાન પણ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.