Vadodara murder case 2025: વડોદરાના તાંદલજા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ તેના મુંબઈ સ્થિત પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ ઘટનાને કુદરતી મૃત્યુ ગણાવીને મૃતકની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. જોકે, "પાપ છાપરે ચડીને પોકારે છે" તે કહેવત મુજબ, મૃતકના પરિવારને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાના 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરાવતા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે પ્રેમી સહિત અન્ય આરોપીઓ ફરાર છે.
શંકાસ્પદ મોત અને દફનવિધિ
આ સમગ્ર ઘટનાની શરૂઆત 18 તારીખે થઈ હતી, જ્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા ઈર્શાદ બંજારા નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તે સમયે પરિવાર અને સમાજના લોકોએ આને સામાન્ય અથવા કુદરતી મૃત્યુ માનીને મૃતકની તાંદલજા કબ્રસ્તાનમાં દફનવિધિ કરી દીધી હતી. જોકે, ઈર્શાદના મોત બાદ તેની પત્ની ગુલબાનોની વર્તણૂક અને હિલચાલ શંકાસ્પદ જણાતા મૃતકના ભાઈ અને પરિવારજનોને દાળમાં કંઈક કાળું હોવાનો અહેસાસ થયો હતો.
કબરમાંથી બહાર આવ્યો હત્યાનો પુરાવો
પરિવારજનોએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરી અને મોતની તટસ્થ તપાસની માંગણી કરી. પોલીસની ટીમે મામલાની ગંભીરતા સમજીને દફનવિધિના 5 દિવસ બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી કબરમાંથી ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં જ ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું હતું કે આ કુદરતી મોત નથી, પરંતુ યુવકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.
દૂધમાં ઘેનની દવા અને પ્રેમીનો સાથ
પોલીસ તપાસમાં પત્ની ગુલબાનોનો ભયાનક ચહેરો સામે આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે ગુલબાનોને મુંબઈના તૌફીક નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને પતિ તેમના પ્રેમમાં અડચણરૂપ બની રહ્યો હતો. આથી પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઘટનાની રાત્રે ગુલબાનોએ પતિ ઈર્શાદને દૂધમાં ઘેનની દવા ભેળવીને પીવડાવી દીધું હતું. પતિ બેભાન થતાં જ તેણે પોતાના પ્રેમી તૌફીક અને તેના એક મિત્રને બોલાવ્યા હતા અને ત્રણેયે મળીને ઈર્શાદનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.
પોલીસ કાર્યવાહી: પત્ની જેલહવાલે
વડોદરા ઝોન 2 ના DCP મંજીતા વણઝારાએ આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે મૃતકની પત્ની ગુલબાનોની ધરપકડ કરી લેવામાં આવી છે. પત્નીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. જોકે, આ ગુનામાં સામેલ તેનો પ્રેમી તૌફીક અને અન્ય એક મદદગાર હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.