વડોદરાઃ દિનુ મામા બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા હતા. ભાજપ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી હતી. સતીષ પટેલે રાજીનામું આપ્યા બાદ દિનુ મામાનું નામ બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે ચર્ચાઇ રહ્યું હતું. ભાજપ નેતા ગોરધન ઝડફીયાએ પક્ષ તરફથી દિનુ મામાના નામની જાહેરાત કરી હતી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિર્ણયને આવકાર્યો હતો. ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ દિનુમામાને પદ મળવા બદલ અભિનંદન આપ્યા હતા. વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહે પણ નિર્ણયને આવકાર્યો હતો. 

  


ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો. બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતુ.


નોંધનીય છે કે દિનુ મામા ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છોડી પાદરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જોકે બાદમાં તેમણે ભાજપમાં ઘર વાપસી કરી હતી.


ગયા મહિનાના અંતમાં બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે રાજીનામું આપ્યું હતું. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું.પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી જેને પ્રમુખ બનાવશે તેને સહકાર આપીશુ.


નોંધનીય છે કે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પરથી દિનું મામા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.  એ સમયે દિનું મામાએ ભાજપમાંથી રાજીનામુ સાથે બરોડા ડેરીના પ્રમુખ પદેથી પણ રાજીનામુ આપ્યું હતું. જો કે હવે દિનુ મામા ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી ચૂક્યા છે.


બરોડા ડેરી એક સહકારી સંસ્થા છે. બરોડા ડેરી સાથે આસપાસના 3 જિલ્લાના 1.25 લાખ દૂઘ ઉત્પાદકો જોડાયેલા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો દૂધ કાર્યક્ષેત્રમાં સામેલ છે. 1,156 જેટલા ગામડાના કો-ઓપરેટિવ સોસાયટીઓ બરોડા ડેરી સાથે સંકળાયેલી છે, બરોડા ડેરીમાં રોજ 5 લાખ 70 હજાર લીટર જેટલું દૂધ આવે છે.