વડોદરા: મંગળવારે બપોરે વડોદરાના વાઘોડિયા GIDCમાં પ્લાસ્ટિક અને ફોમ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અચાનક આગ ફાટી લાગી હતી. કંપનીમાં પેકીંગ મટીરીયલ હોવાથી આગ એટલી વિકરાળ બની હતી કે આખે આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો.

જીઆઈડીસીમાં ફાયર ફાઈટિંગના સાધનોનો અભાવ હોવાથી 35 કિમી દૂર વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ બોલવવાની ફરજ પડી હતી. આગને કાબુમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડના ચાર ફાયર ફાઈટર અને 4 ફાયર ઓફિસર સાથે 20 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ સમગ્ર ફેક્ટરી આગમાં બળીને ખાક થઈ ગઈ છે. આ ઉપરાંત બાજુમાં આવેલી તેમના જ પરિવારના સભ્યની અન્ય ફેક્ટરી પણ આ આગ પ્રસરી હતી. આગને કાબુમાં લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક જ પતરાનો શેડ તુટી ગયો હતો.

આગની ઘટના બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કંપની પાસે કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો નથી તેમજ જીઆઈડીસીમાં પણ ફાયર સ્ટેશનની કોઈ સુવિધા નથી. ફાયર ફાયટરમાં પાણી ખાલી થઈ ગયા બાદ નજીકમાં આવેલી ટાયરની ફેક્ટરીમાં જઈ ફાયર ફાયટરમાં પાણી ભરવામાં આવ્યું હતું.