Vadodara:  વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. નોંધનીય છે કે અપક્ષ ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 25 જાન્યુઆરીના રોજ રાજીનામું આપ્યું હતું. ધર્મેન્દ્રસિંહના રાજીનામા સાથે જ ભાજપમાં જોડાવવાની અટકળો વહેતી થઈ હતી. હવે આજે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જશે.


ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો હતો. રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટાચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો હતો.


ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.


ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. તેઓ ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.


બીજી તરફ સુરતના પૂર્વ કોર્પોરેટર સુનીલભાઈ પટેલ અને માજી સભ્ય ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દિલ્હીના નિકેતભાઈ પટેલ ભાજપમાં જોડાશે. બન્ને આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરશે.


અગાઉ સી.જે. ચાવડા ભાજપમાં જોડાયા હતા


કૉંગ્રેસના નેતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનારા સી.જે. ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.  સી. જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી  19 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. 


સી.જે.ચાવડા આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા હતા. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. સી.આર.પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા. સીજે ચાવડાની સાથે મોટી સંખ્યામાં તેમના સર્મથકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. 


ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.