વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચૌરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. આમ્રપાલી વિસ્તારમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલ સહિત અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં આરોપી છેલ્લા 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો.

Continues below advertisement

સોમવારે ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર કર્યા હતાં. મહત્વનું છે કે આ પહેલા આરોપી રક્ષિતે વડોદરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વકીલોની દલીલો બાદ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં રક્ષિતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હાઈકોર્ટે મંજૂર કરી હતી. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે અકસ્માત વખતે બ્રેક નહોતી મારી. 12થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ નશો કર્યા હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નિયમ પ્રમાણે સાક્ષી બનાવાયા ન હતા. અકસ્માત બાદ નશામાં ચૂર રક્ષિત અનધર રાઉન્ડ અને નીકીતા મેરીની બૂમાબૂમ કરતો હતો. 

આરોપી રક્ષિત માત્ર 23 વર્ષનો યુવાન હોવાની નોંધ પણ કોર્ટ દ્ધારા લેવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે આરોપી રક્ષિત ચૌરસિયાને એક લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા છે. સાથે જ કોર્ટ દ્ધારા કડક શરતો મૂકવામાં આવી છે, જેમાં આરોપી ગુજરાત રાજ્યની બહાર જઈ શકશે નહીં તેમજ નિયમિત રીતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી ભરાવવી પડશે. ઉપરાંત, કેસના પુરાવા અથવા સાક્ષીઓને પ્રભાવિત ન કરે તેવી સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે.

Continues below advertisement

શું હતી ઘટના? 

ઉલ્લેખનીય છે કે હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.  પોલીસે રક્ષિતની ધરપકડ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.