Vadodara News: ચોમાસામાં ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અને બહારમાં વેચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોના કારણે બીમારી ફેલાતી હોવાથી જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદારે ખોરાક શાખાની ફૂડ સેફટી ઓફિસરોની ચાર ટીમ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરી વેચતા અને બનાવતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કર્યો હતો. પાણીપુરી માટે મસાલા વાળું જે પાણી બનાવવામાં આવે છે તેમાં અને બટાકાના માવામાં કૃત્રિમ રંગ નાખ્યો છે કે કેમ તેમજ પૂરી માટેનો આટો ગુણવત્તા વાળો છે કે કેમ તેનું પણ ચેકિંગ હાથ ધર્યું હતું.


ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ એ જ્યાં ચેકિંગ હાથ ધર્યું ,ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. માવો ખુલ્લો હતો અને તેના પર માખીઓ પણ બેઠેલી જણાઈ આવી હતી. ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.  જોકે તેમ છતાં કોઈ ફેર ન પડતાં આગામી 3 દિવસ પાણીપુરી વિક્રેતાને ધંધો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.


અન્ય શહેરો પણ લઈ શકે છે આવો નિર્ણય


આ અગાઉ 2018માં પણ વીએમસી દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય બાદ રાજ્યના મોટા શહેરોમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. આ અંગે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, વડોદરામાં પાણીજન્સ રોગોના કેસ વધ્યા છે. તેથી કમિશનરની સૂચના હતી કે આવા વિસ્તારોમાં પાણીપુરીનું વેચાણ ન કરવામાં આવે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવે.


વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં જણાવ્યા મુજબ, 80 ટકા રોગો પાણીજન્ય હોય છે. વિવિધ દેશોમાં પીવાનું પાણી WHOનાં ધારાધોરણોને અનુસરતું નથી. 3.1 ટકા મૃત્યુ ગંદા અને નબળી ગુણવત્તા ધરાવતાં પાણીને કારણે થાય છે. ભારતમાં વર્ષે એક લાખથી વધારે લોકોનું મૃત્યુ પાણીજન્ય રોગોને કારણે થાય છે. વર્લ્ડ રિસોર્સીસ રિપોર્ટ જણાવે છે કે, ભારતનાં પાણીનાં પુરવઠાનો આશરે 70 ટકા હિસ્સો ગટરનાં પ્રદૂષકો સાથે અતિ પ્રદૂષિત છે. સંયુક્ત રાષ્ટ્રનાં રિપોર્ટ મુજબ, ભારતનાં પાણીની ગુણવત્તા નબળી છે – પોતાનાં નાગરિકોને ઉપલબ્ધ પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાનાં 122 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial