Vadodara Love Jihad: શહેરમાં કથિત લવજેહાદનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક રીક્ષાચાલક વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી દોઢથી બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની અને બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરી મારઝૂડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ વિધર્મી યુવકોની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કપુરાઈ પોલીસ મથકની હદમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી  જે ઘટના સમયે સગીર હતી  આજથી લગભગ બે વર્ષ પૂર્વે આજવા રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા સાહેલ ઉર્ફે સોહેલ પઠાણના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી, જે બાદ સોહેલે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી.

જે તે સમયે પીડિતાની ઉંમર ફક્ત ૧૭ વર્ષની હોવાથી, સોહેલે તે પુખ્ત વયની થાય ત્યારે લગ્ન કરીશું તેવું બહાનું આપી, સગીરાને આજવા રોડ પરના એક મકાનમાં પોતાની સાથે રાખી હતી. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન, લગભગ બે વર્ષ સુધી, સોહેલ પઠાણે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે સગીરા પુખ્ત વયની થઈ અને તેણે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે સોહેલ પઠાણે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે સગીરા પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું અને તેણીને કોઈની સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત, આરોપીએ સગીરા સાથે મારઝૂડ પણ શરૂ કરી દીધી હતી.

આ ત્રાસથી કંટાળીને સગીરા પોતાના માતાના ઘરે પરત જતી રહી હતી. જોકે, ત્યારબાદ પણ આરોપી સોહેલ પઠાણ અને તેના બે મિત્રો, મોહંમદ જુનેદ મલેક અને ફઈમ અફીમવાલા, સગીરાને સોહેલ પાસે પાછા આવી જવા માટે સતત ધમકીઓ આપતા હતા. આખરે, સગીરાએ હિંમત દાખવીને કપુરાઈ પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કપુરાઈ પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી સાહેલ ઉર્ફે સોહેલ પઠાણ અને તેના બંને મદદગાર મિત્રો, મોહંમદ જુનેદ મલેક અને ફઈમ અફીમવાલાની ધરપકડ કરી હતી. પીડિતા ઘટના સમયે સગીર હોવાથી, પોલીસે ત્રણેય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો ઉપરાંત પોક્સો  પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ  એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.