ગાંધીનગરઃ વડોદરામાં મહેંદીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ પુત્ર સ્મિતને મોતને ઘાટ ઉતારીને સચીને આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. સચીનની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નર્મદા કેનાલમાં સ્મિતને ફેંકવા સુધીની તૈયારી પણ કરી હતી. જોકે, તેનો અંદરનો પિતા જાગી જતાં તેણે પુત્રની હત્યા કરવાનું ટાળ્યું હતું. આ પછી તેણે પેથાપુરમાં બાળકને તરછોડી દીધો હતો. સચિન પુત્રની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરવાનો હતો, તેવું પણ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. 


આવેશમાં મહેંદીની હત્યા કર્યા બાદ તે સ્મિતને લઇને ગાંધીનગર આવવા માટે રવાના થઇ ગયો હતો. આ સમયે પુત્ર સ્મિતને નર્મદા કેનાલમાં ફેંકીને પોતે પણ આત્મહત્યા કરી લેશે તેમ નક્કી કરી લીધું હતું. એટલું જ નહીં, ભાટ ટોલનાકુ ક્રોસ કર્યા બાદ કોબા પહેલા નર્મદા કેનાલ પાસે કાર ઉભી પણ રાખી હતી. પરંતુ માસૂમ દીકરાને મારી શકે તેમ ન હોવાથી તેણે વિચાર માંડી વાળ્યો હતો અને તેને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં તરછોડી દીધું હતું. 


બહુચર્ચિત સચિન દીક્ષિત દ્વારા મહેંદી પેથાણી હત્યા કેસનો મામલે ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમ વડોદરા જવા રવાના થઈ છે. સચિન દિક્ષિતને તપાસમાં આજે સાથે નહીં રખાય. સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી પોલીસ કરશે.  ભાડે રાખેલા ઘરના કરાર થયા છે કે કેમ ? તેની ચકાસણી કરાશે. વડોદરાના બાપોદ સ્થિત ઘરની આસપાસના લોકોના નિવેદન લેવાશે.


 આ હત્યા કેસમાં મકાન માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.  મકાન માલિક રજની પટેલ સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ. મકાન ભાડે આપ્યાની જાણ સ્થાનિક પોલીસને કરાઈ ન હતી. આઈ.પી.સી 188 મુજબ ગુનો નોંધાયો છે.  સચિન બાપોદના દર્શનમ ઓએસીસના ફ્લેટમાં ભાડે રહેતો હતો.


વડોદરામાં મહેંદી સાથે લીવ ઇનમાં રહેતો સચિન દિક્ષીત મહેંદીને સામાજીક દરજ્જો આપી શકવા સક્ષમ નહોતો.  જો કે તે મહેંદી અને સ્મિતને મહત્તમ સમય આપવાનો પ્રયાસ કરતો હતો. જો કે તેમના સબંધને નામ ન મળતા મહેંદી સતત માનસિક ચિંતામાં રહેતી હતી. જેના કારણે તેમના વચ્ચે તકરાર થતી હતી.