વડોદરાઃ ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવવાનો મામલામાં પોલીસે પકડેલા મોહમ્મદ અનિશ દારૂવાલાએ કારમાં આગ લગાડવા માટે મોંઘવારીનું આશ્ચર્યજનક કારણ આપ્યું છે. મોહમ્મદ અનિશ દારૂવાલાએ યોગેશ પટેલની કારમાં આગ લગાડી પછી તેની ધરપકડ કરાઈ છે. દારૂવાલાએ યોગેશ પટેલ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું રટણ ચાલુ રાખ્યું છે.


મોહમ્મદ અનિશ દારૂવાલાએ પોતે ભાજપનો હોવાનું અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ઓળખતો હોવાનું પણ જણાવ્યું છે. 27 જાન્યુઆરીએ બનેલી ઘટનામાં રાવપુરા પોલીસમાં નોંધાયો ગુનો છે પણ તપાસ શહેર ગુના શાખાને સોંપાઇ છે.
ધારાસભ્ય યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ પટેલ ઉર્ફે ભૂરો પટેલે  સમગ્ર મામલે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોહમ્મદ અનિસ દારૂવાલા અગાઉ હથિયારબંધી અને જુગાર કેસમાં પકડાયો હતો.


વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં 27 જાન્યુઆરીએ આગ હતી. 27 જાન્યુઆરીએ વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ  લાગી હોવાનું અનુમાન હતું. જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે કાર પાર્ક કરી હતી ત્યારે કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો  હતો. આ આગમાં ધારાસભ્યની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.  


શરૂઆતમાં ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન હતું પણ પોલીસ તપાસમાં યોગેશ પટેલની કારમાં એક યુવકે આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સીસીટીવી તપાસતાં બાઇક પર આવેલ એક વ્યક્તિ કારમાં આગ લગાડે છે એવું સ્પષ્ટ હતું.


જયુબેલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક  કરેલી કારમાં યુવક આગ લગાવતો હોય એવા  સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવતાં યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે કારમાં આગ લગાવવાના આરોપમાં મોહમ્મદ હનીફ દારૂવાળા (રહે. મોગળવાડા)ની ધરપકડ કરી હતી.