વડોદરા: આજે સવારે વડોદરા વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી જ્યારે ભાયલીના નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા એક મેસેજ મળ્યો. નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ પહેલા દિલ્હીમાં ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. જો કે, ત્યાં પોલીસ તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી.
હવે ઘટના અંગે વિગતે વાત કરીએ તો, વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. જ્યારે નવરચના સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ સ્કૂલ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સમાં વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે,પોલીસ તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. સામે આવેલી વિગતો અનુસાર ભાયલી નવરચના સ્કૂલના આચાર્ય કાશ્મીરા જૈશવાલને સવારે 5 વાગે ધમકી ભર્યો ઇ મેલ મળ્યો હતો.
ઈમેલમાં સ્કૂલની પાઇપ લાઈનમાં બૉમ્બ મુક્યાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ નવરચનાની ભાયલી અને સમાં વિસ્તારની કુલ 3 સ્કૂલમાં 3 કલાક સુધી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પી.સી.બી, બી.ડી.એસ સહિતના સ્ટાફે ચેકીંગ કર્યું હતું. શાળાના દરેક કલાસ,ઓફિસ, પાઇપ લાઈન, ડ્રેનેજ લાઈન સહિતનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ જે મેલ આવ્યો હતો તે મામલે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે. કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ બોમ્બની ધમકીને પગલે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ ન બને તે હેતુથી શાળા બંધ રાખવામાં આવી હતી.
તો બીજી તરફ નવરચના સ્કૂલના મેનેજર બીજુ કુરિયરે નિવેદન આપ્યું છે. તેમણ કહ્યું કે, તમિલનાડુથી ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો હતો. પાઇપલાઇનમાં ટાઇમર બોમ્બ મુક્યો હોવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે ત્રણથી ચાર કલાક 3 નવરચના શાળાનું ચેકિંગ કર્યું હતું. તમામ પાણીની પાઇપલાઇન, ગેસ લાઇન, ડ્રેનેજ લાઈન સહિત તમામ ચેકિંગ હાથ ધરાયું હતું. બી.ડી.એસ, ડોગ સકોર્ડ, સહિત પોલીસ અધિકારીઓએ ચેકીંગ કર્યું હતું. શાળાના તમામ ક્લાસરૂમ પણ ચેક કરાયા હતા. જોકે કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આજે શાળામાં રજા રખાઇ છે આવતીકાલથી શાળા રાબેતા મુજબ કાર્યરત રહેશે.
આ પણ વાંચો....