Vadodara : વડોદરામાં  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં ખાનગી કંપનીએ કરોડોની કૌભાંડ કર્યાનો ભાજપના જ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર-15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે કે શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપનીએ 50 કરોડનું કૌભાંડ કર્યું છે. 


કોર્પોરેટરે કેવી રીતે પકડ્યું કૌભાંડ ?
ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી CDC કંપની દ્વારા શહેરભરના 1200 ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરવામાં આવે છે. જેમાં શહેરના પૂર્વ ઝોનમાં 65 ગાડીઓ કચરો કલેક્ટ કરે છે. એક ગાડીને 70 પોઇન્ટ પરથી કચરો કલેક્ટ કરવાનો હોય છે. પણ આ કૌભાંડમાં ગાડીઓ કચરો ઉઠાવવા ગઈ ન હોય છતાં પેમેન્ટ લઇ લેવામાં આવતું હતું.  કોર્પોરેટર આશિષ જોશીએ છેલ્લા  3 થી 4 મહિના ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓની સતત માહિતી મેળવી, ઉપરાંત CDC કંપનીને કેટલા નાણાં ચૂકવાયા અને કેટલો દંડ કર્યો તેની માહિતી મળવી  આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 


કૌભાંડ ન પકડાય એ માટે 14 મહિનાનો ડેટા ડીલીટ કરી દેવાયો 
કોર્પોરેટર આશિષ જોશીએ એ પણ આરોપ લગાવ્યો કે ડોર ટુ દોર વેસ્ટ કલેક્શન કરતી ગાડીઓમાં GPS સોફ્ટવેર લગાવાવમાં આવેલો છે. પણ આ કૌભાંડ ન પકડાય એ માટે 14 મહિનાનો દેતા ડીલીટ કરી દેવામાં આવ્યો છે. 


આશિષ જોશીએ આરોપ લગાવ્યો કે નવેમ્બર 2020 થી મે 2022 સુધીનો 18 મહિનાનો ડેટા 16 જુલાઈ સુધી દેખાતો હતો, જો કે કૌભાંડ પકડાઈ ન જાય એ માટે 14 મહિનાનો દેતા ગાયબ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં માત્ર ચાર મહિના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ના જ ડેટા દેખાઈ રહ્યાં છે. 


કોણે ડીલીટ કર્યો ડેટા ?
આશિષ જોશીએ આરોપ લગાવ્યો કે  સીસીસી કમાન્ડ સેન્ટરમાં બેસતાં લોકો દ્વારા આ ડેટા ગાયબ કરવામાં આવ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ કૌભાંડની તાપસ થશે કે નહીં. આ અંગે VMC કમિશ્નર શાલિની અગ્રવાલે તપાસના આદેશ આપ્યાં છે. સાથે જ કોઈ ડેટા ડીલીટ ન કરવા પણ આદેશ આપ્યા છે.