GST Raid: વડોદરાના ડભોઇમાં રાજસ્થાન કોટાસ્ટોન એન્ડ માર્બલ કંપનીમાં સેન્ટ્રલ જી.એસ.ટીએ દરોડા પાડ્યા છે. કર ચોરી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવતા હોવાથી ડભોઇમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ડભોઇ જીઆઇડીસી માં આવેલ રાજસ્થાન કોટા કંપનીમાં સેન્ટ્રલ જી.એસ.ટી વિભાગે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. સેન્ટ્રલ જી.એસ.ટીના અધિકારીઓ દ્વારા હાલ એકાઉન્ટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કંપનીનો ગેટ લોક કરી કંપનીના માલિકો સાથે જીએસટીના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચોરીના 9684 કેસ નોંધાયા છે. જીએસટીથી આવકમાં જ નહીં જીએસટી ચોરી કરનારા સામે સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં પણ ગુજરાત મોખરાના રાજ્યોમાં છે. છેલ્લા ચાર વર્ષમાં જીએસટી ચોરીના સૌથી વધુ કેસ થયા હોય તેમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. વર્ષ 2023-24માં મહારાષ્ટ્રમાં 2716 અને ગુજરાતમાં 2589 જીએસટી ચોરીના કેસ નોંધાયા હતા.
અમદાવાદ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે ભાવનગરથી ઝડપી લીધેલા રાજ્યના સૌથી મોટા જીએસટી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર આસિફ દૌલા ઉર્ફે તેલિયાએ રિમાન્ડ દરમિયાન 28 કરોડની કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેણે બોગસ પેઢીઓ બનાવી અન્ય લોકોને પણ વેચી હોવાનું સ્વીકાર્યું છે. જીએસટીના કાયદામાં રહેલાં છીંડાંનો ઉપયોગ કરી તેણે કૌભાંડ કર્યું હતું. મૂળ ભાવનગરના આસિફ દૌલાએ 5 વર્ષથી બોગસ બિલિંગથી માંડી બોગસ પેઢીઓ બનાવવા સહિતના કૌભાંડ કરી કરોડોની વેરાશાખ ઘરભેગી કરી હતી.
પૂછપરછમાં દૌલાએ કબૂલ્યું હતું કે, કોપર સ્ક્રેપની 8 બોગસ પેઢી બનાવી કાગળ પર 85 કરોડનું ટર્નઓવર બતાવી 28 કરોડની કરચોરી કરાઈ હતી. આ કૌભાંડમાં પકડાયેલા ઈમરાન મેમણ, ફીરોઝ પઠાણ સહિતના આરોપીએ છેતરપિંડીનું નેટવર્ક આસિફ દૌલાના ઈશારે ગોઠવાયું હોવાની બાતમી આપી હતી. જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાને શોધવા માટે કવાયત ચાલી રહી છે.
સ્ટેટ જીએસટી વિભાગને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આસિફ દૌલા અને તેના સાગરિતોએ 150થી વધુ લોકોના નામે બોગસ પેઢી બનાવી હતી. જરૂરિયાતમંદ લોકોને શોધી કાઢી તેમને માત્ર 3થી 5 હજાર આપી પેઢી ખોલવા માટે દસ્તાવેજ મેળવી લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજને આધારે બોગસ પેઢીઓ બનાવી મોટાપાયે ટેક્સ ચોરી કરવામાં આવતી હોવા ઉપરાંત ખોટી રીતે વેરાશાખ લેવાતી હતી.