Vadodara : વડોદરામાં  ફાયર બ્રિગેડની (Vadodara Fire brigade office)જૂની ઈમારત તોડી પાડ્યા બાદ છેલ્લા એક વર્ષથી નવી ઇમારત બની રહી નથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ ધોમધખતો  તાપ હોય કે વરસતો વરસાદ,  પતરાની ઓફિસ અને ઓફિસ બહાર બેસી કામગીરી કરતા દેખાઈ રહ્યા છે. અનેક ફાયરના વાહનો રોડ રસ્તા ઉપર તાપ અને વરસાદમાં છેલ્લા 3 વર્ષથી ખરાબ થઈ રહ્યા છે.


3  વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી બિલ્ડીંગ 
વડોદરા કોર્પોરેશન તંત્રની ઇમરજન્સી સેવાઓમાં ફાયર બ્રિગેડ સૌથી મહત્વનો વિભાગ છે જેની મુખ્ય ઓફીસ અને મુખ્ય ફાયર સ્ટેશન દાળિયા બજાર ચાર રસ્તા ખાતે આવેલું હતું. જે ત્રણ વર્ષ પહેલા જર્જરી બનતા તોડી પાડવામાં આવ્યું હતું અને ઓફિસ અન્ય જગ્યાએ ખસેડવામાં આવી હતી. 


આ સાથે સામેના રોડ પર આવેલી ઓફિસ એક વર્ષ પહેલા તોડી પાડવામાં આવી હતી અને ત્યાં જ નવી ઓફિસ બનાવવાની હતી પરંતુ છેલ્લા એક વર્ષથી કોર્પોરેશન તંત્રની બાંધકામ શાખા દ્વારા મંજૂરી અપાઈ  નથી કે ટેન્ડર પ્રક્રિયા થતી નથી.  જેને કારણે એક વર્ષથી કર્મચારીઓ રોડ રસ્તા ઉપર બેસી પોતાનો નોકરી કરી રહ્યા છે સાથે 25 થી વધુ વાહનો રોડ ઉપર ખુલ્લામાં પાર્ક થાય છે.


ફાયરના મોંઘા વાહનો ખરાબ થઇ રહ્યાં છે 
ધોમધખતા તાપમાં અને વરસતા વરસાદમાં ફાયરના મોંઘા વાહનો ખરાબ થઈ રહ્યા છે. ફાયરના કર્મચારીઓ પોતે કહી રહ્યા છે કે તેઓ  છેલ્લા એક વર્ષથી રોડ ઉપર બેસીને કામગીરી કરવા મજબૂર બન્યા છે. શિયાળા ચોમાસામાં મચ્છરોનો ત્રાસ ઉનાળામાં ગરમીની તકલીફ પરંતુ તંત્રની નજર ઇમરજન્સી સેવાઓ ઉપર પડી રહી નથી. તેના કર્મચારીઓની મુસીબતોનો તેઓ હલ કરતા નથી જે તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય.


ફાયરના વાહનો માટે શેડ બનાવીશું : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 
બિલ્ડીંગના અભાવે ફાયરના મોંઘા વાહનો તડકામાં અને વરસાદમાં ખરાબ થઇ રહ્યાં છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ફાયરના વાહનો માટે શેડ બનાવીશું અને તેની નીચે વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરીશું. જો કે હવે તંત્ર ક્યારેય એક્શનમાં આવે છે તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.