વડોદરાઃ જિલ્લાના કરચિયા ગામના યુવકે ગળે ટુંપો દઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવક પાસેથી પોલીસને સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતાના મોત માટે તેણે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. જવાહરનગર પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલએલબીનો અભ્યાસ કર્યા પછી પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં યુવક નોકરી કરતાં સિરીષ દરજીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.


સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, હું સુ કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મેં મારા મમ્મી તથા ભાઇ માટે વિચારીને પાછી આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવી, મેં મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યાં કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાયને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી.


બસ હું આત્મહત્યા જે કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી. પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથાં પોલીસને જાણ થાય મારા મરવા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. મારી પત્નીનું પુરૂં નામ મોનિકા શીરીષ દરજી છે. તથા તેના પપ્પાનું નામ કલદાસનાથ જેશવાણી તથા માતાનું નામ ગીતાબેન કલદાસનાથ જેશવાણી છે. તથા તેના ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.


મને પણ જાણ છે કે, આત્મહત્યા એ કાયરતાનું પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો. તો કદાચ આત્મહત્યા કરવા મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે, કદાચ મારી પત્ની તથા તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે ને હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે. બસ આખરમાં મારા મરવા બાદ મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ બસ. મને ત્રાસ આપેલ છે કે નહીં મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.