Vadodara News: ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહિલો જામ્યો છે, ત્યારે વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નદીઓમાં પાણી છોડવામાં આવતા લોકોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા વડોદરાના ઉપરવાસનામાંથી વિશ્વામિત્રી અને દેવ નદીમાં પાણી છોડાતા અનેક ગામોને એલર્ટ કરાયા છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, આ કારણે વિશ્વામિત્રી નદી અને દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે, આ પાણી છોડતા અહીં કાંઠા વિસ્તારોના લગભગ 22થી વધુ ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ગામોની યાદી પુર નિયંત્રણ કન્ટ્રૉલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાંથી પાણી છોડવામા આવતા અસર હેઠળ આવતા ગામોને કરાયા સાવધ રહેવા સૂચના અપાઇ છે. વિશ્વામિત્રી નદી કાંઠે વસતા વાઘોડિયા તાલુકાના હાંસાપુરા, લિલોરા, પાલડી, કામરોલ અને જરોદ ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત દેવ નદીના કાંઠે વસતા વેજલપુર, વલવા, જવેરપુરા, ગોરજ, દંખેડા, અંબાલી, મુનીસેવા આશ્રમ, અંટોલી, ઘોડાદરા, વ્યારા, રોઝીયાપુરા, ખોયા, રાવપુરા, પોપડીપુરા, ગણેશપુરા, ફલોડ અને મહાદેવપુરા સહિના ગામોને પણ સાવધ કરાયા છે. વાઘોડિયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના કુલ 22 ગામોને કરાયા એલર્ટ. મામલતદાર અને તલાટી કમ મંત્રીને હેડ ક્વાટર ના પણ લોકોને તાકીદે સૂચના અપાઇ છે, એટલું જ નહીં નીચાણવાડા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવા પણ સુચના આપવામાં આવી છે.
બે બાળકો સાથે માતાએ તળાવમાં ઝંપલાવ્યું
પાદરા ખાતે એક યુવતી અને 2 બાળકોની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્રણ લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે. બે બાળકો અને માતા એમ ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. પાદરાના અંબાજી તળાવ ખાતે આ દુર્ઘટના ઘટી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહિલા પાણીમાં ડૂબી ગઈ હતી. તો બીજી તરફ મહિલા સિવાય બે બાળકોના ચંપલ અને પૈસા પણ તળાવ બહાર જોવા મળ્યા હતા. જેથી મહિલા સાથે બે બાળકો પણ ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જે બાદ સ્થાનિકો દ્વારા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તળાવમાં નજરે જોનાર સિક્યુરિટીએ ઘટનાની જાણ નગરપાલિકાને કરતા કારોબારી અધ્યક્ષ સહિત સદસ્યો પણ દોડી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રથમ પાલીકાના ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. જો કે, આ યુવતીએ શા માટે મોતને વ્હાલું કર્યું તેની માહિતી સામે આવી નથી. ત્રણ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ પોલીસે આ બનાવ અંગે તપાસ શરુ કરી દીધી છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે, યુવતીએ આ પગલું શા માટે ભર્યું.