Vadodara: વડોદરા બોટ દુર્ઘટનામાં સ્પેશલ ઈન્વેસ્ટિગેશન ટીમને મોટી સફળતા મળી હતી.  હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહને સીટે ઝડપ્યો હતો. હાલોલ તરફથી વડોદરા પોતાના વકીલને મળવા આવતા પરેશ શાહની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. પરેશ શાહ અગાઉ વડોદરા મનપાનો પૂર્વ ટીડીઓ ગોપાલ શાહ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે પરેશ શાહની ધરપકડ બાદ બોટ દુર્ઘટનામાં અનેક રહસ્યો ખુલી શકે છે.


સમગ્ર કેસમાં 18 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પરેશ શાહનું નામ પોલીસે એફઆઈઆરમાં નોંધ્યું હતુ. અત્યાર સુધીમાં પરેશ શાહ સહિત નવ આરોપી પોલીસ સકંજામાં છે. ફરાર 10 આરોપીઓને પકડવા માટે SITની અલગ અલગ ટીમો રાત દિવસ એક કરી રહી છે.


વડોદરા બોટકાંડમાં કોટિયા કંપનીના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન લેક ઝોન તેમજ વોકિંગ ટ્રેકના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ જે બાદ પરેશ શાહ, બીનિત કોટિયા, ગોપાલદાસ શાહ, નિલેશ જૈન સહિતના ભાગીદારો, મેનેજર, બોટના 2 ઓપરેટર સહિત 19 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. સીટની તપાસ બાદ તમામની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરવામાં આવશે.


તો આ તરફ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ રહી રહીને જાગ્યું હતુ. ફાયર એનઓસી રિન્યૂ ન થતા બે સ્વીમિંગ પુલ બંધ કરાયા હતા. કોર્પોરેશન હસ્તકના સર સયાજીરાવ નગર ગૃહ અને પંડિત દિનદયાલ નગર ગૃહની ફાયર એનઓસીની રિન્યુઅલ પ્રક્રિયા બાકી હોવાથી બંધ કરાયા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી બોટકાંડમાં કુલ આઠ લોકોની ધરપકડ કરાઇ છે. ગઈકાલે ગોપાલ શાહની પોલીસે ધરપકડ કરી હતી. તો આ તરફ બિનિત કોટિયા પર કોર્ટ બહાર કાળી સ્યાહી ફેંકાઈ હતી. કોર્ટમાંથી બહાર આવતી વખતે યુથ કોંગ્રેસના પ્રમુખે બિનિત કોટિયા પર સ્યાહી ફેંકી હતી.