વડોદરાઃ વડોદરા પાસે આવેલા રણોલીમાં બે પત્ની અને ચાર સંતાનો ધરાવતા અને રેલવેમાં નોકરી કરતા મુસ્લિમ યુવાને હિંદુ યુવતીને પોતે હિંદુ હોવાનું જણાવીને નિકટતા કેળવીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવતી સાથે તેણે રણોલી રેલવે સ્ટેશનની રૂમમાં જ શારીરિક સંબંધો બાંધીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરતાં આખરે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવાનને ઝડપી પાડયો છે.


આણંદ જિલ્લામાં રહેતી હિન્દુ યુવતીના પિતાનું મૃત્યુ થયું હોવાથી કુટુંબને મદદરૂપ થવા માટે 21 વર્ષની યુવતી રણોલીમાં આવેલી એક દવા કંપનીમાં નોકરી કરતી હતી. 21 વર્ષની યુવતી નોકરી માટે ટ્રેનમાં અપડાઉન કરે છે. 10 મહિના પહેલાં રણોલી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી હતી ત્યારે એક યુવાન નજીક આવીને ઉભો રહ્યો હતો. ટ્રેન લેટ હોવા મુદ્દે તેણે વાતચીત પરિચય કેળવ્યો હતો. યુવાને પોતાનું નામ વિજયસિંહ જશવંતસિંહ રાઠોડ કહ્યું હતું. પોતે રેલવેમાં ટ્રેનને ઝંડી બતાવવાની નોકરી કરે છે તેમ જણાવ્યું હતું.

આ ઘટના પછી યુવતી રેલવે સ્ટેશન પર આવતી ત્યારે યુવક તેને મળી પ્રેમ સંબંધ રાખવા કહ્યા કરતો. યુવક પ્રેમ સંબંધ રાખવા પાછળ પડી જતા આખરે યુવતી તેની વાતોમાં ફસાઈ હતી અને ડીસેમ્બર 2019થી બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. નોકરી પરથી છૂટીને યુવતી પ્લેટફોર્મ પર આવે ત્યારે યુવક યુવતીને ઝંડી ફરકાવવાની કેબિનમાં રોજ લઇ જતો અને શારીરિક છેડછાડ કરતો હતો. યુવતી સાથે પોતે લગ્ન કરશે તેવી લાલચ પણ આપતો હતો.

ડિસેમ્બરમાં એક દિવસ યુવતીને યુવક જૂની ટિકિટ બારીની ઓફિસમાં લઇ ગયો હતો અને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવકે યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતાં. પછી યુવક યુવતીને તેના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઇચ્છા થાય ત્યારે પ્લેટફોર્મ પરની જૂની ટિકિટબારીની ઓફિસમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો હતો. છ માસ બાદ યુવતીને જાણ થઇ હતી કે, યુવક હિન્દુ નહી પરંતુ મુસલમાન છે અને તેનાં બે વાર લગ્ન પણ થઈ ચૂક્યાં છે.

દરમિયાન યુવકના ઘેર તેના યુવતી સાથેના સંબંધોની જાણ થતાં તેની માતા અને પત્નીએ 14 ઓગસ્ટ 2020ના રોજ તેમના રેલવે ક્વાટર્સમાં યુવતીને બોલાવી કહ્યું હતું કે, યુવકને બે પત્ની છે અને બંને પત્નીને બે-બે સંતાનો છે તેથી તું તેની સાથે સંબંધ ના રાખતી. યુવતીએ પોતાના ઘેર જઈને યુવક સાથેના તેના સંબંધોની જાણ માતા અને બહેનને કરતાં તેમણે યુવકના ઘેર જઇ નગ્ન ફોટા મોબાઇલમાંથી ડિલિટ કરી દેવાનું કહેતા યુવકે ફોટા ડિલિટ કરવા તૈયારી બતાવી હતી. જો કે બે દિવસ પહેલા યુવકે ફરી રેલવે સ્ટેશન પર યુવતીને ઇશારો કરી બોલાવવાનો પ્રયત્ન કરતાં યુવતીએ ના પાડી દીધી હતી. યુવકે ફરી ફોટા વાઇરલ કરવાની ફરી ધમકી આપતાં આખરે હિંમત કરીને યુવતીએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે રેલવેના ડિવાયએસપીએ યુવકની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.